દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હીથી ટોરોન્ટો જઈ રહેલા એક યાત્રીના જેકેટમાંથી ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા છે.
CISFના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટોરોન્ટો જવાના રસ્તે ૨૪ જાન્યુઆરીના રોજ ટર્મિનલ ૩ પર સુરક્ષા તપાસ દરમિયાન, જ્યારે આરોપી દ્વારા પહેરવામાં આવેલ જેકેટ સ્કેનરમાંથી પસાર થયું ત્યારે સુરક્ષાકર્મીઓએ એક કારતૂસ જેવો પદાર્થ જોયો.
સુરક્ષાકર્મીઓએ જેકેટની તપાસ કરી અને જોયું કે તેમાં કારતુસ છે. જેકેટના ખિસ્સામાંથી એક પછી એક ત્રણ કારતૂસ મળી આવ્યા હતા. ત્યારપછી જ્યારે સીઆઈએસએફના જવાનોએ આરોપીને કારતૂસને લઈને સવાલ પૂછ્યા તો તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં.
પેસેન્જરે સુરક્ષા કર્મચારીઓને કહ્યું કે તેની પાસે હથિયારનું લાઇસન્સ છે. તેણે સુરક્ષા કર્મચારીઓને હથિયારનું લાઇસન્સ બતાવ્યું, પરંતુ આરોપીએ બતાવેલું લાઇસન્સ ઉત્તર પ્રદેશમાં જ માન્ય હતું. બાદમાં આ સમગ્ર મામલાની તપાસની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. હવે દિલ્હી પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ મુસાફરી દરમિયાન ખિસ્સામાં કારતુસ રાખવા પાછળનો હેતુ શું હોઈ શકે તેની તપાસ કરી રહ્યા છે.