ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોન-કોરોનાનું સંક્રમણ વધતાં છેલ્લી ઘડીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકુફ રાખવી પડી હતી.
કોરોના વિદાય લે તેવુ નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે તે આધારે રાજ્ય સરકારે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા વિચારણા શરૂ કરી છે. આગામી તા.૧ લી મેએ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ગુજરાત સરકારે તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા આયોજન કર્યુ હતું. મહાત્મા મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી. ૨૦ થી વધુ દેશોના મહાનુભાવોને આમંત્રણ આપી દેવાયુ હતું જેમાં રશિયાનું ડેલિગેશન તો ગાંધીનગર પણ આવી પહોચ્યુ હતું. આખરે કોરોનાની પરિસ્થિતી એટલી હદે વકરી હતી કે, છેલ્લી ઘડીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને મોકુફ રાખવા સરકારે નિર્ણય લેવો પડયો હતો.
કોરોનાની સ્થિતીની સમિક્ષા કર્યા બાદ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવી કે કેમ તે અઁગે આખરી નિર્ણય લેવાશે. અત્યારે ગુજરાત સ્થાપ્ના દિને તા.૧ થી ૩ જી લી મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત યોજવા સરકારે વિચારણા શરૂ કરી છે. ૨૦ થી વધુ દેશોના રાજકીય મહાનુભાવો ઉપરાંત બિઝનેસમેનો-આમંત્રિતોને ગુજરાત બોલાવી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત યોજવા આયોજન કરવામાં આવી રહ્યુ છે.
વાઇબ્રન્ટ ગુજરાતની પૂર્વ સંધ્યા તા.૩૦ મી એપ્રિલે ગાંધીનગરમાં મેગા ડ્રોન શો યોજવા પણ આયોજન કરાયુ હતું. અને હવે ફરીથી ડ્રોન શો યોજવા ગુજરાત સરકારે તૈયારીઓ આદરી છે.
ફરીવાર ગુજરાતમાં મોટુ મૂડીરોકાણ થાય, શિક્ષિત યુવાઓને રોજગાર મળી રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવા સરકારે તૈયારીઓ શરૂ કરી છે.