ગૂગલ ભારતી એરટેલનો ૧.૨૮ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે કંપનીનો એક શેર ૭૩૪ રૃપિયાના ભાવે ખરીદશે. આ માટે ગૂગલ ભારતી એરટેલને ૭૦ કરોડ ડોલર ચૂકવશે.
ગૂગલ દ્વારા ભારતીય ટેલિકોમં કંપનીમાં આ બીજું મોટું રોકાણ છે.
ભારતી એરટેલનો ૧.૨૮ ટકા હિસ્સો ખરીદવા માટે ભારતી એરટેલની કુલ ઇક્વિટીનું મૂલ્ય ૫૪.૭ અબજ ડોલર(૪.૧ લાખ કરોડ) રૃપિયા આંકવામાં આવ્યું છે.
ગૂગલે ભારતમાં આગામી પાંચથી સાત વર્ષમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગૂગલના રોકાણથી અબજપતિ ઉદ્યોગપતિ સુનિલ મિત્તલના નેતૃત્ત્વવાળી ભારતી એરટેલને ફાઇવજી નેટવર્ક લોન્ચ કરવામાં અને માર્કેટ લિડર જીઓ સામે સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ મળશે.
ગૂગલના ભારતી એરટેલમાં કુલ એક અબજ ડોલરના રોકાણ પૈકી ૭૦ કરોડ ડોલરથી ૧.૨૮ ટકા હિસ્સો ખરીદાશે જ્યારે બાકીના ૩૦ કરોડ ડોલર કોમર્શિયલ સમજૂતી માટે ચૂકવવામાં આવશે.
ભારતી એરટેલના બોર્ડે કંપનીની પાંચ રૃપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ૭,૧૧,૭૬,૮૩૯ ઇક્વિટી શેરો ગૂગલને આપવાની મંજૂરી આપી છે. પ્રતિ શેર ૭૩૪ રૃપિયા ભાવે આ મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી હેઠળ ગૂગલ ૫૨૩૪.૩ કરોડ રૃપિયા એટલે કે ૭૦ કરોડ ડોલર ચૂકવશે.
સુનીલ મિત્તલે જણાવ્યું છે કે અમે ગૂગલ સાથે મળીને ભારતની ડિજિટલ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવીશું. બીજી તરફ આલ્ફાબેટ અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જણાવ્યું છે કે અમે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડના ભાગરૃપે ભારતી એરટેલમાં રોકાણ કરી રહ્યાં છીએ.