સુરત માં એક ખેલાડીને પૈસાના જોર પર સ્પોર્ટ્સ માં આગળ વધવુ ભારે પડ્યુ. હિમાચલ પ્રદેશની એક રણજી ટ્રોફી ક્રિકેટ ટીમ ની ખેલાડીએ સુરતના એક ખેલાડી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. જો કે સમય રહેતા સાવધાન થઇ જતા અંતે પોલીસે આ મહિલા ખેલાડીની ધરપકડ કરી લીધી છે.
સુરત રહેતો ક્રિકેટર ભાવિક પટેલ વર્ષ ૨૦૧૮માં કિક્રેટ રમવા હિમાચલ પ્રદેશ ગયો હતો. ત્યારે રામ ચૌહાણ નામના ક્રિકેટર જોડે તેની ઓળખાણ થઈ હતી. બાદમાં રામે ભાવિક પટેલને હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધાવા સાથે ઓળખ કરાવી હતી. બાદમાં મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિકની વિશાલ જોડે ઓળખાણ કરાવી હતી. મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિક પટેલ પાસે રૂપિયા ૨૭ લાખ લઈ તેને ૬ રણજી ટ્રોફી મેચ રમાડવાની વાત કરી હતી. જો કે વર્ષ ૨૦૧૮માં નાગાલેન્ડમાં એક રણજી મેચ રમાડ્યા પછી તેને કોઈ મેચ રમાડી ન હતી.
ભાવિકને રણજી ક્રિકેટમાં ન રમાડતા અંતે ભાવિક અને તેના પરિવારે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ઈકોસેલે તપાસ શરુ કરી હતી. બાદમાં મહિલા ક્રિકેટરની ધરપકડ કરી સુરત પોલીસ તેને સુરત લઇ આવી હતી.હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી મહિલા ખેલાડી સપના રંધાવા હાલમાં ક્રિકેટ કોચિંગના ઓનલાઇન ક્લાસ ચલાવે છે. પોલીસને એવી શંકા છે કે, મહિલા ખેલાડી સપના રંધાવાએ આવી જ રીતે સુરત નહિ પણ દેશભરમાં ઘણા ક્રિકેટરોને સ્ટેટ લેવલે મેચ રમાડવાની લાલચ બતાવી લાખોની રકમ પડાવી હોય શકે છે. સુરતમાં અન્ય ક્રિકેટરો તેનો શિકાર બન્યા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. તે બાબતે પણ પોલીસે તપાસ શરુ કરી છે.