ગુજરાતમાં કોરોના નો ‘રિવર્સ ગીયર’ : 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ

ગુજરાતમાં કોરોના હવે રાહતજનક રીતે ‘રીવર્સ ગીયર’માં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9395 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ 10 હજારથી નીચે આવ્યા હોય તેવું 15 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે.

જોકે, કોરોનાથી વધુ મૃત્યુઆંક હજુ પણ ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં વધુ 30 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ જાન્યુઆરીના 30 દિવસમાં જ કોરોનાથી કુલ મરણાંક હવે 320 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 9, સુરતમાંથી 6, રાજકોટમાંથી 4, વડોદરા-ભરૂચમાંથી 3, જામનગરમાંથી 2, મોરબી-ગાંધીનગર-મહેસાણામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.

રાજ્યમાં અત્યારસુધી કુલ 10438 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3582-ગ્રામ્યમાં 71 સાથે 3653,  વડોદરા શહેરમાં 1598-ગ્રામ્યમાં 413 સાથે 2011 નવા કેસ સામે આવ્યા હતા. આમ, સતત બીજા દિવસે અમદાવાદ-વડોદરા એવા જિલ્લા હતા જ્યાં કોરોનાના દૈનિક કેસ 1 હજારથી વધુ નોંધાયા હોય.

રાજ્યમાં અન્યત્ર રાજકોટ શહેરમાં 522-ગ્રામ્યમાં 251 સાથે 773, સુરત શહેરમાં 398-ગ્રામ્યમાં 244 સાથે 642, ગાંધીનગર શહેરમાં 304-ગ્રામ્યમાં 171 સાથે 475, પાટણમાં 276, મહેસાણામાં 22, કચ્છમાં 153, ભાવનગર શહેરમાં 125-ગ્રામ્યમાં 23 સાથે 148, ખેડામાં 125, આણંદમાં 122, બનાસકાંઠામાં 99, નવસારીમાં 88, વલસાડ 86, સાબરકાંઠામાં 67, જામનગર શહેરમાં 35-ગ્રામ્યમાં 20 સાથે 55,

તાપીમાં 64, સુરેન્દ્રનગર 48, અમરેલીમાં 34, દેવભૂમિ દ્વારકા-મોરબીમાં 33, દાહોદ 31, જુનાગઢ ગ્રામ્યમાં 14-શહેરમાં 14 સાથે 25, પંચમહાલમાં 22, ગીર સોમનાથમાં 21, પોરબંદરમાં 20, ડાંગમાં 13, છોટા ઉદેપુરમાં 10, નર્મદામાં 9, મહીસાગરમાં 6, અરવલ્લીમાં 5, બોટાદમાં બે નવા કેસ નોંધાયા હતા.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 11,53,980 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 16066 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 10,52,222 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર વધીને હવે 91.18 ટકા થઇ ગયો છે.

રાજ્યમાં હાલ 91320 એક્ટિવ કેસ છે અને 278 દર્દી વેન્ટિલેટર પર છે.26 જાન્યુઆરીએ રાજ્યમાં 1,28,192 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા પાંચ દિવસમાં જ રાજ્યમાં એક્ટિવ કેસમાં 28 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 88117  વ્યક્તિને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 9.76 કરોડ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *