ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના મામલે હવે રાજકીય રંગ આપવાનો ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાજપ-કોંગ્રેસે હત્યા કેસને આગળ ધરી મતોનું રાજકારણ ખેલવાનુ શરૂ કર્યુ છે. રાજકીય આક્ષેપબાજી શરૂ થઇ છે. કોંગ્રેસે ગુજરાતની કાયદા વ્યવસૃથા પર સવાલ ઉઠાવ્યા છે જયારે ભાજપે ગુજરાતમાં શાંતિ ડહોળવાની હરકતો નહી ચલાવી લેવાય તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એવા સવાલ ઉઠાવ્યાં છેકે, ૨૬ મી જાન્યુઆરીએ રેડ એલર્ટ જાહેર કરાયુ હતું તો પછી હથિયારોને હેરાફેરી કેવી રીતે થઇ. આ એ દર્શાવે છેકે,ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી ભાંગી પડી છે. ભાજપ સાથે સંકળાયેલા લોકો જ વિડીયો બનાવી લોકોને ઉશ્કેરે છે. જે લોકો ઉશ્કેરણી કરે છે તેમને મારે પુછવુ છેકે, ગોધરા કાંડ બાદ જે યુવાઓને ભડકાવ્યાં.
કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, ધારાસભ્ય રઘુ દેસાઇ, ધારાસભ્ય રાજેશ ગોહિલ, ઋત્વિક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ સહિતના નેતાઓનું એક પ્રતિનીધીમંડળ સોમવારે 11 વાગે ધંધુકાના ચચાણા ગામની મુલાકાત લેશે જયાં તેઓ મૃતક કિશન ભરવાડના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. કોંગ્રેસ ધારાસભ્યો કિશન ભરવાડને ન્યાય મળે તે માટે સરકારમાં રજૂઆત પણ કરશે.
આ ઘટના સંદર્ભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવી પ્રતિક્રિયા આપી કે, ગુજરાતમાં આવી પ્રવૃતિ કે ઘટના ચલાવી લેવાય નહીં.આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આરોપીઓને કડક સજા થાય તેવી રજૂઆતો કરવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ ઘટનામાં કડક હાથે કાર્યવાહી કરશે.