જામનગરના કોન્ટ્રાકટરને એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી રૃ.૭ લાખ પડાવી લીધાના ગુનામાં વલસાડ જિલ્લા પોલીસે મુખ્ય ભેજાબાજ સહિત ૭ આરોપીને પારડીના ટુકવાડા હાઇવે પરથી પકડી પાડયા હતા.
પારડી હાઇવે પર આવેલી ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાં ત્રણ દિવસ અગાઉ જામનગર હડીયાણા ગામના કોન્ટ્રાકટર પ્રવિણ નારણભાઇ સોનાગરા મિત્ર સાથે અલ્ટો કારમાં એકના ત્રણ ગણા નાણાં કરાવવાની લાલચમાં આવ્યા હતા. યુસુફ કાદર જેડા અને અન્ય શખ્સો પણ સ્કોર્પિયો ગાડીમાં આવ્યા હતા.
યુસુફે પ્રવિણ પાસેથી રોકડા રૃ.૭ લાખ લીધા બાદ અચાનક બાઇક પર આવેલા તેના સાગરીતોએ ઝઘડાનું તરકટ રચી નાણાં પડાવી ભાગી ગયા હતા. પ્રવિણ સોનાગરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સ્થાનિક પોલીસ, એલસીબી અને સ્પે.ઓપરેશન ગુ્રપે ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે તપાસ આદરી હતી.
એલસીબી પો.કો કરમણ અને આશિષને મળેલી બાતમીના આધારે ટીમે પારડીના ટુકવાડા હાઇવે પર વોચ ગોઠવી સ્કોર્પિયો ગાડી ને અટકાવી તેમાં સવાર શખ્સોની પૂછપરછ કરતા પારડીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે મુખ્ય ભેજાબાજ યુસુફ જેડા સહિત સાત આરોપીની ધરપકડ કરી રોકડા રૃ.૭.૦૫ લાખ, ૧૫ નંગ મોબાઇલ, સ્કોર્પિયો અને બાઇક મળી રૃ.૧૮.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.