ચુંટણી પંચ દ્વારા ૫ રાજ્યોની ચુંટણીના પ્રચાર માટેના પ્રતિબંધ લંબાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે રોડ શો, પદયાત્રા, વાહનરેલી અને સરઘસ પરના પ્રતિબંધની મુદત આગામી ૧૧ ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની કોરોના મહામારીની સ્થિતીની સમીક્ષા કરી હતી. ઉપરાંત રાજ્યોના સચિવોએ જણાવ્યું, કે સંક્રમણ દર ઘટી રહ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘટી છે.
ચૂંટણી પંચે આજથી તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને તમામ ચરણની ચૂંટણી માટે ખુલ્લા મેદાનમાં ૧૦૦૦ લોકો સાથે બેઠક કરવા મંજૂરી આપી છે. ચૂંટણી પંચે સુરક્ષા દળોના જવાનોને બાદ કરતાં ૧૦ને સ્થાને હવે ૨૦ લોકોને ઘેર ઘેર પહોંચીને પ્રચાર કરવા મંજૂરી આપી છે. રાજકીય પક્ષોને સભાખંડોમાં મહત્તમ ૫૦૦ વ્યક્તિ સાથે બેઠક કરવા પણ મંજૂરી આપવામાં આવી છે.
ગઇકાલે અખિલેશ યાદવ અને એસ.પી.સિંહ બઘેલે કરહલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં યોજાનારા મતદાન તેમજ પંજાબમાં એક જ તબક્કે યોજાનારા મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રીયા પુરી થઇ જશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા અને મણિપુરમાં પ્રથમ બે ચરણોના મતદાન માટે ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રીયાનો આજે આરંભ થશે.