દેશભરમાં કાયદો- વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજય પ્રથમ નંબરે છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ – કર્મયોગીઓને જાય છે. શાંતિ ઝંખતી ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ હમેંશા રાજય પોલીસના પડખે રહી છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ- વ્હીલર – બોલેરો ગાડી મળી કુલ- ૯૪૯ વાહનોનું ફલેગ ઓફ કરીને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા રાજયના ૪ મહાનગરો ખાતે શે ટીમ કાર્યરત કરવામાં આવી છે. શે ટીમના દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતા કાર્યો કરવામાં આવ્યા છે. આ કાર્યોને વધુ ઝડપી બનાવવા માટે આજે રાજયની આ ટીમને ૬૮ બોલેરો ગાડી આપવામાં આવી છે. ૫૫ પી.સી.આર.વાન અને શહેર- જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ ઘોરીમાર્ગોની સલામતિ જેવી કે, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામ,નાગરિકોની સુરક્ષા અને ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા માટે ૪૦૦ પેટ્રોલ વાન આપવામાં આવી છે. તેમજ પોલીસ અધિકારીશ્રીઓના કાર્યોની સરળતા માટે ૨૮ ઇનાવો ગાડી આપવામાં આવી છે. ગૃહ રાજય મંત્રીએ ઉમેર્યું હતું કે, આફત અને કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે. ગુજરાતમાં શાંતિ – સલામતી માટે કોઇપણ કચાસ ન રાખવા માટે સરકાર કટિબધ્ધ છે.
આ ફલેગ ઓફ સમારંભમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર, રાજય પોલીસ વડા આશિષ ભાટિયા એડીશનલ ડી.જી.પી. નરસિમ્હા કોમાર, રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.