ફેસબૂકના દૈનિક યુઝર્સમાં પાંચ લાખનો ઘટાડો

ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબ દ્વારા આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ફેસબૂકના ૧૮ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત તેના દૈનિક યુઝર્સ બેઝમાં ઘટાડો નોંધાયો છે. અનેક વિવાદોના કારણે વૈશ્વિક સ્તરે ટીકાઓનો સામનો કરનાર ફેસબૂકે ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક સમયમાં વૈશ્વિક સ્તરે ૫ લાખ દૈનિક યુઝર્સ ગુમાવ્યા હતા. દુનિયામાં હવે ટિકટોક અને યુટયૂબનું ચલણ વધતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબૂકની સામે જોખમ પેદા થયું છે.

ડિસેમ્બર ત્રિમાસિકના નબળા પરિણામોના કારણે એક જ દિવસમાં ફેસબૂકની માર્કેટ કેપમાં રૂ. ૧૪.૯ લાખ કરોડ અને સીઈઓ ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ. ૧.૭૯ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

ફેસબૂકનું નામ બદલીને મેટા કરાયા પછી કંપનીએ સૌપ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. મેટાએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ ના છેલ્લા ત્રિમાસિકમાં યુઝર્સની સંખ્યા ઓછી થવાથી નફા પર અસર પડી છે. તેનાથી કંપનીને મળતી જાહેરાતો પર સીધી રીતે અસર થશે. ૨૦૨૧ ના ચોથા ત્રિમાસિકમાં ફેસબૂકના દૈનિક એક્ટિવ યુઝર્સની સંખ્યા ૨.૯૧ અબજ હતી. અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આ સંખ્યામાં કોઈ વધારો થયો નહોતો. મેટાને દૈનિક યુઝર્સમાં સૌથી વધુ નુકસાન ઉત્તર અમેરિકામાં થયું હતું. મેટાને જાહેરાત દ્વારા અહીંથી સૌથી વધુ કમાણી થતી હતી.

મેટા ઇન્કે ચોથા ત્રિમાસિકના અપેક્ષા કરતા નબળાં પરિણામ જાહેર કરવાની સાથે સાથે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે અપેક્ષા કરતા નબળું આઉટલૂક આપ્યુ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી આવક ૧૦.૨૯ અબજ ડોલર અને પ્રતિ શેર દીઠ આવક વર્ષ પૂર્વેના ૩.૮૮ ડોલરથી ઘટીને ૩.૬૭ ડોલર રહી છે. જોકે કુલ આવક વાષક તુલનાએ ૨૦ ટકાની વૃદ્ધિમાં ૩૩.૬૭ અબજ ડોલર થઇ છે. જ્યારે એનાલિસ્ટોએ આવક ૩૩.૪ અબજ ડોલર કે શેરદીઠ ૩.૮૫ ડોલર રહેવાની અપેક્ષા રાખી હતી.

મેટાના સીએફઓ ડેવ વેનેરે જણાવ્યું હતું કે, ૨૦૨૧ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ફેસબૂકની એકંદર વૃદ્ધિમાં નરમાઈનું એક કારણ ભારતમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા પ્રી-પેઈડ ડેટા પ્રાઈસમાં કરાયેલો ૨૫ ટકા સુધીનો વધારો પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘એશિયા પેસિફિક અને રેસ્ટ ઓફ વર્લ્ડમાં કોરોનાના કારણે યુઝર્સની વૃદ્ધિ અટકી હતી.

ભારતમાં પણ ડેટા પેકેજના ભાવ વધતાં વૃદ્ધિ મર્યાદિત રહી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *