અમદાવાદ મુંબઈ વચ્ચે આકાર પામી રહેલા હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ એટ્લે કે બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન સુરત ખાતે બંધાશે. રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. નવું કામ કરવામાં સુરત હમેશા અગ્રેસર હોવાનો ગર્વ પોતાને હોવાની વાત પણ દર્શના જરદોષે કરી છે. બુલેટ ટ્રેનના હાલ તૈયાર થઈ રહેલા 237 કિલોમીટર લંબાઈ ધરાવતા રેલમાર્ગ ઉપર 4 સ્ટેશન ઈમારત બાંધવાની કામગીરી ઉપડવામાં આવી છે, જે હેઠળ પહેલું સ્ટેશન સુરતમાં બંધાશે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ શરુ થનાર છે. જાપાનના સહયોગથી બની રહેલી આ બુલેટ ટ્રેન સેવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીના સમયમાં ઘટાડો થશે. આ રુટમાં કુલ 12 બુલેટ ટ્રેન સ્ટેશન બાંધવામાં આવનાર છે. જેમાં સુરત સ્ટેશનને પહેલાં બાંધવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થવાના આરે છે.