સ્વર કોકિલા ભારતરત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા છે.
આજે મહારાષ્ટ્રમાં જાહેર રજા રહેશે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શાહરુખ ખાન, સચિન તેંડુલકર શંકર મહાદેવન, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિતની હસ્તીઓ હાજર રહી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચીને લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.અને તેમને શ્રધ્ધા-સુમન પાઠવી હતી. લતાદીદીના શોકાતુર પરિવારજનોને પોતાની સાંત્વના પાઠવી હતી.
ગઈકાલે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હજારો લોકોએ ભીની આંખે લતા દીદીની અંતિમ સફરમાં સાથ આપ્યો હતો.
શિવાજી પાર્ક ખાતે બંદૂકોની સલામી સાથે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ ઇન્દોરમાં થયો હતો. તેઓએ ગુજરાતી સહિત ૩૬ ભાષામાં ૫૦ હજારથી વધુ ગીતો ગાયા છે. જેનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોધાયેલ છે. તેમના અવાજમાં એવો જાદુ હતો,, કે તેમના ગીતો સાંભળીને લોકો મંત્રમુગ્ધ બની જતા હતાં.. તેમણે ગાયેલા હૃદય દ્વાવક ગીત “એ મેરે વતન કે લોગો..” કવિ પ્રદીપજીએ લખ્યું હતું. યોગાનું યોગ ગઈકાલે પ્રદીપજીનો જન્મદિવસ છે ત્યારે જ લતાજીએ આ જગતમાંથી અંતિમ વિદાય લીધી હતી.
કેન્દ્ર સરકારે ભારત રત્ન લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.