રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગોવિંદ પટેલ સહિતના ધારાસભ્યો રીકવરી કરવાના બદલામાં કમિશનનો આક્ષેપ કરવામાં આવતા પોલીસ અને રાજકીય બેડામા ખળભળાટ મચી ગયો છે. જેને લઇને સમગ્ર કેસની તપાસ કરી રહેલા સિનિયર આઇપીએસ ઓફિસર વિકાસ સહાય દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોવિંદ પટેલ દ્વારા જે લોકો વતી આક્ષેપ કરાયા હતા. તેમના નિવેદનો અને તથ્યો તપાસવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાંક પુરાવા પણ તેમને આપવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ક્રાઇમ-એસઓજીની ભુમિકા પણ સામે આવવાની શક્યતા છે.
ગૃહ વિભાગ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને રિપોર્ટ મળ્યા બાદ તાત્કાલિક અસરથી મનોજ અગ્રવાલની બદલી કરી શકે તેવી શક્યતા છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રીને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરૂધૃધ કમિશન લઇને નાણાં પરત અપાવવા અને જમીન ખાલી કરાવવાનો ગંભીર આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ પોલીસની કમિશન લેવાના મોડ્સ ઓપરેન્ડી પર ખુલીને આક્ષેપ કરતા સમગ્ર કેસની તપાસ ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવી હતી. જેમાં તેમણે આજે ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રમાં જે લોકોનો ઉલ્લેખ કરાયો છે. તેમના નિવેદનો લીધા હતા અને કેટલાંક પુરાવાઓ પણ તપાસ્યા હતા.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપરાંત, રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની સંડોવણીની પણ શક્યતા બહાર આવી છે. જેમા રાજકોટના દીપક રાઠોડના નામના વ્યક્તિએ આરોપ મુક્યો હતો કે રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા તેની હોટલને ખાલી કરાવવાના બદલામાં લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા.
રાજકોટ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા પીએસઆઇ સી વી સાખરાનું નામ પણ ઉછળ્યું હતું. જે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવે છે. સમગ્ર મામલે તેમના પર આક્ષેપ થતા પોલીસ કમિશનરે તેમની બદલી ક્રાઇમ બ્રાંચમાથી પોલીસ કંટ્રોલ રૂમમાં કરવાનો આદેશ આપ્યો હતો.
વિકાસ સહાય દ્વારા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને મંગળવારે સાંજ સુધીમાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે અને આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ઘારાસભ્ય ગોંવિદ પટેલે પોલીસ કમિશનરની મનોજ અગ્રવાલની બદલીની રજૂઆત કરી છે. જેને લઇને ગુરૂવાર સુધીમાં તેમની બદલીનો તખ્તો તૈયાર કરાયો છે. આ ઉપરાંત, રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના અિધકારીઓની બદલી કરવાની શક્યતા ગૃહવિભાગ એ વ્યક્ત કરી છે.