બોગસ કંપનીઓ ખોલીને ઓનલાઇન ઠગાઇ કરવાના જુદાજુદા રાજ્યોમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરનાર વડોદરાની સાયબર સેલની ટીમે બેંગ્લોરની બોગસ કંપનીના ત્રણ સંચાલકોને ઝડપી પાડયા છે. અને વધુ ચાર સાગરીતોને ઝડપી પાડયા છે.
વડોદરા તરસાલી અશોકપાર્કમાં રહેતા ગૌરવ પટેલને ગઇ તા.૨૧-૮-૨૦૨૧ના રોજ એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો.જેમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ખરીદીની ઓફર હતી.ગૌરવભાઇએ તપાસ કરી ઓર્ડર કરતાં રૂપિયા.૩૧૧૭ તેમના એકાઉન્ટમાં જમા થયા હતા. પરંતુ ત્યારબાદ તેમની રૂપિયા.૨.૩૩ લાખ જેટલી મૂડી પરત આવી નહતી.
વડોદરા સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ અગાઉ બુ્રઇઝર ટેકનોલોજી પ્રા.લિ. ના સંચાલક વિશાલ હરિશકુમાર, વિનાયકા ચંદ્રશેખર ગોવડા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર એસ શશીને ઝડપી પાડયા હતા.જ્યારે,તેમની સાથે સંકળાયેલા અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં એકાઉન્ટ ખોલી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા વધુ ચાર સાગરીતોને ત્રણ રાજ્યોમાં ટીમો મોકલીને ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલા ચાર બેન્ક એકાઉન્ટ હોલ્ડરોમાં
(૧) રવિશંકર ભંવરલાલ પ્રજાપતિ ( જોધપુર,રાજસ્થાન)
(૨) રોહિત બિન્દેશ્વરી સિંઘ (ધનબાદ,ઝારખંડ)
(૩) ક્રિષ્ના વિરાજુ ગદમ અને પાપારાવ નારાયડુ સેવા (રંગમપેટા,ઇસ્ટ ગોદાવરી,આંધ્રપ્રદેશ)નો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બોગસ કંપનીઓ બનાવી ઠગાઇ કરતી ગેંગ દ્વારા કંપનીના નામે બેન્કોમાં કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવતા હોય છે.ત્યારબાદ એકાદ બે મહિનામાં જ આ એકાઉન્ટ બંધ કરી બીજા એકાઉન્ટ ખોલી દેવામાં આવતા હોય છે.
પોલીસ સુધી ફરિયાદ પહોંચે અને તપાસ થાય તે પહેલાં તો રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવતી હોય છે.સાયબર સેલે પકડેલા ચાર સાગરીતો પૈકીના આંધ્રપ્રદેશના પાપારાવ નારાયડુએ ૧૨ એકાઉન્ટ તેમજ જોધપુરના રવિશંકરે ૧૫ એકાઉન્ટ ખોલાવ્યા હોવાની અને તેમાં લાખોના ટ્રાન્જેક્શનો થયા હોવાની વિગતો ખૂલી છે.