ગુજરાતની નવી આઇટી પોલિસીમાં આ સેક્ટરના તમામ એકમોને ૧૦૦ % વિજશુક્લ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પોલિસી ૨૦૨૨ થી ૨૦૨૭ સુધી આઇટી અને આઇટીઇએસ ઉદ્યોગોને પ્રોત્સાહનો આપવા માટેનું કામ કરશે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે આઇટી સેક્ટરમાં અત્યારે ગુજરાતની વાર્ષિક નિકાલ ૩૦૦૦ કરોડ છે તે વધારીને ૨૫૦૦૦ કરોડ રૂપિયાની કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઇટી સેક્ટરની વૃદ્ધિ માટે નવી પોલિસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં પ્રથમવાર આ પોલિસીમાં કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નવી પોલિસીનો હેતુ સ્કીલ્ડ ઉદ્યોગો માટે આઇટી ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો છે.
રાજ્યમાં મજબૂત ક્લાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે. આઇટી સેક્ટરમાં નિકાસ વધારવા ઉપરાંત આ ક્ષેત્રમાં નવી એક લાખ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. આ પોલિસીમાં સ્કૂલના બાળકો અને જનતા માટે માહિતી, શિક્ષણ અને સંચાર કાર્યક્રમો કરવામાં આવશે.
૧. સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ ૫૦ કરોડની મર્યાદામાં રપ%નો કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર સપોર્ટ અપાશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ. ર00 કરોડ સુધીની રહેશે.
૨. દર વર્ષે ૨૦ કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે ૪૦ કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે ૧૫% નો OPEX સપોર્ટ
3. રાજ્યમાં આઇટી રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યા છે.
૪. એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI), પ્રતિ કર્મચારી ૬૦,૦૦૦ રૂપિયા સુધી
૫. આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના EPF યોગદાનનું ૧૦૦% સુધીનું વળતર
૬. ૫ કરોડ સુધીની ટર્મ લોન પર ૭% લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય.
૭. તમામ પાત્ર આઇટી/ITeS એકમોને ૧૦૦% ઇલેક્ટ્રિસિટી ડયૂટીનું વળતર.
૮. ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના.
૯. કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ ૫૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય.
૧૦. ૧૦૦ કરોડ સુધીના CAPEX સપોર્ટ સાથે આઇટી શહેરો/ટાઉનશીપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને FCI ધોરણોમાં છૂટછાટ આપવી.
૧૧. કોઈપણ આઈટી કંપની રાજ્યમાં તેમની આઈટી કામગીરીને ઝડપી રીતે કરી શકે તે માટે વિશ્વ કક્ષાની સહ-કાર્યકારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી.
૧૨. સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી IT કંપનીઓને દર મહિને રૂ.10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી.
૧૩. ડેટા સેન્ટર : ૧૫૦ કરોડ સુધી ૨૫%નો CAPEX સપોર્ટ. અને ૫ વર્ષના સમયગાળા માટે રૂ.૧/યુનિટની પાવર ટેરિફ સબસિડી
૧૪. કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) : રૂ ૨૦ કરોડ સુધી ૨૫% CAPEX સપોર્ટ. અને ૫ વર્ષના સમયગાળા માટે રૂ ૧/યુનિટની પાવર ટેરિફ સબસિડી.
આ પોલિસીના લોન્ચિંગ સમયે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત નવ જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.