કબુતરબાજીનો વધુ એક કાંડ બહાર આવ્યો છે. જેમાં અમેરિકા અને કેનેડામાં વર્ક પરમિટના નામે બાળકો સહિત ૧૫ સભ્યોને મોકલવાની લાલચ આપીને તેમને પશ્ચિમ બંગાળ અને ત્યાર બાદ દિલ્હીની હોટલમાં ગોંધી રાખીને પરિવારો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી વસુલવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી સુધી મામલો પહોંચ્યા બાદ ગઇકાલે ગાંધીનગર પોલીસે દિલ્હીની હોટલમાં ઓપરેશન પાર પાડયું હતું અને બાળકો સહિત ૧૫ સભ્યોને મુક્ત કરાવ્યા હતા જો કે, મુખ્ય સુત્રધાર એજન્ટ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
પોલીસે આ એજન્ટો સાથે સંપર્ક કરાવનાર અમદાવાદના એક એજન્ટને ઝડપી લીધો છે. અમદાવાદના રાજેશ નટવરલાલ પટેલ મારફતે પશ્ચિમ બંગાળના એજન્ટ સુશીલ રોય,સંતોષ રોય અને કમલ સિંઘાનીયા મારફતે ઉત્તર ગુજરાતના વસઇ, મોતિપુરા, ઘુમાસણ, કાસ્વ અને ખરણાં ગામના દંપતિને પરિવાર સાથે અમેરિકા અને કેનેડા મોકલવાની ડીલ નક્કી કરવામાં આવી હતી. જે મુજબ ગત ડિસેમ્બર મહિનાથી તબક્કાવાર પરિવારોને મુંબઇ અને ત્યાંથી પશ્ચિમબંગાળ લઇ જવામાં આવ્યા હતા.કોલકત્તા પાસે આ પરિવારોને ગોંધી રાખીને તેમની પાસેથી બંદૂકની અણીએ કરોડો રૂપિયાની ખંડણી વસુલવામાં આવી હતી.
ડિસેમ્બર મહિનામાં ગયેલા દંપતિ પાસેથી આ પ્રકારે ખંડણી ઉઘરાવવાની પ્રક્રિયા ચાલુ જ રહેતા આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી હતી અને જેના પગલે ગાંધીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ટીમો સક્રિય થઇ હતી અને કોલકત્તા અને દિલ્હીના સ્પેશ્યલ સેલની મદદ લઇ બાળકો સહિત ૧૫ વ્યક્તિઓને ગઇકાલે રાત્રે દિલ્હીની હોટલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જેમને રેલવે અને હવાઇ માર્ગે આજે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ પટેલ મારફતે આ લોકોને કલકત્તા અને દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને સુશીલ રોય,સંતોષ રોય તથા કમલ સિંઘાનીયાના માણસોએ આ પરિવારજનોને બંગાળમાં ગોંધી રાખી તેઓ કેનેડા અને અમેરિકા પહોંચી ગયા છે તેમ જણાવીને કુલ ૩.૦૫ કરોડ રૂપિયા વસુલી લીધા હતા.
આ ટોળકીએ અગાઉ પણ આવા ગુન્હા આચર્યા હોવાની શંકાને આધારે ગાંધીનગર પોલીસે ભોગ બનનાર અન્ય પરિવારોને કોઇ પણ બીક વગર સંપર્ક સાધવા અપિલ કરવામાં આવી છે. હાલ તો આ સંદર્ભે જિલ્લાના માણસા પોલીસ મથકમાં આરોપીઓ સામે ખંડણી, અપહરણ અને આર્મ્સએક્ટના હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસની તપાસમાં એવી વિગતો પણ ખુલી છે કે, પરિવારો રૂપિયા સમયસર ચુકવી ન આપે તો બે બાળકીઓને પશ્ચિમ બંગાળમાં વેચી દેવાનો પણ પ્લાન હતો. અગાઉ પણ આ પ્રકારે આવું કારસ્તાન આ એજન્ટોએ કર્યું હોવાનું બહાર આવી રહ્યું છે.
મુળ વસાઇના અને અમદાવાદ સ્થાયી થયેલી શિતલબેન પટેલને પોલીસે મુક્ત કરાવ્યા બાદ જણાવ્યું હતું કે,તે તેમના પતિ અને બે બાળકો સાથે અમેરિકાના વર્કપરમિટ વિઝાની લાલચે એજન્ટોને ૧.૧૧ કરોડ આપવાનું નક્કી કર્યું હતું જો કે, વિદેશ પહોંચીને રૂપિયા ચુકવવાના હતા પરંતુ તે પહેલા જ પશ્ચિમ બંગાળના કલકત્તા લઇ જઇને તેમની દિકરીને આ એજન્ટોના માણસોએ અલગ કરી દીધી હતી. દિકરીને છોડાવવા માટે બંદૂકની અણીએ ખંડણી વસુલવામાં આવી હતી જેમાં તેમણે વસાઇમાં પરિવારનો સંપર્ક કરીને ઘર તથા જમીન વેચી ૯૦ લાખ રૂપિયા ચુકવી દીધા હતા. અંધારી કોટડીમાં તેમને રાખવામાં આવતા હતા અને જમવાનું પણ સમયસર આપવામાં આવતું ન હતું. એટલુ જ નહીં, વારંવાર દબાણ કરીને પરિવારજનોને ફોન કરાવીને રૂપિયા પડાવવામાં આવતા હતા.
મહેસાણાના વસાઇ ડાભલાંના મિતેશ રણછોડભાઇ પટેલ પાસેથી ૧.૬૦ કરોડ, વિજાપુર મોતિપૂરાના મિત શૈલેષભાઇ પટેલ પાસેથી ૪૯ લાખ, ન્યુ રાણિપ અમદાવાદના આકાશ મહેન્દ્રભાઇ પટેલ પાસેથી ૫.૩૫ લાખ, ન્યુ રાણિપ અમદાવાદના રાકેશભાઇ ગોપાલભાઇ પટેલ પાસેથી ૫.૩૦ લાખ, મહેસાણા ઘુમાસણના હિરલ ભરતભાઇ પટેલ પાસેથી ૨.૫૦ લાખ, મહેસાણા કાશ્વના રશ્મિકાબેન મહેશભાઇ પટેલ પાસેથી ૨.૫૦ લાખ અને માણસા ખરણાંના તેજશ પ્રવિણભાઇ પટેલ પાસેથી 81 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા.