સંચાલકો કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને થયેલો ખૂબ મોટો લર્નિંગ લોસ દૂર કરવા રાજ્ય સરકાર એક્શન પ્લાન બનાવશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આંગણવાડી અને પ્રિ-સ્કૂલો બંધ રહેતા રાજ્યના ભૂલકાઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેને ધ્યાને રાખીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડી અને પ્રિ-સ્કૂલો પુનઃ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આગામી તા.૧૭ ફેબ્રુઆરી, ગુરૂવારથી રાજ્યભરના આંગણવાડી અને પ્રિ-સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યના ભૂલકાંઓના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને ખૂબ મોટું શૈક્ષણિક નુકસાન થયું છે તેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે બાળકો બાલમંદિર/ પ્રિ-સ્કૂલ કે આંગણવાડીમાં અભ્યાસ કરી શક્યા ન હોવાથી ધોરણ-૧ માં પ્રવેશ લેતા બાળકોનો શૈક્ષણિક પાયો નબળો રહી ના જાય તેની ચિંતા સરકાર કરી રહી છે અને તે માટે જ તેમને થયેલો લર્નિંગ લોસ દૂર કરવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં શાળાઓ બાળકોના કિલ્લોલ સાથે પુન: ગુંજતી થશે.