ઉત્તર પ્રદેશ કુશીનગરના નેબુઆ નોરંગિયા થાણાના નોરંગિયા સ્કુલ ટોલા વિસ્તારમાં ગઈકાલે બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ધટનામાં ૧૧ મહિલાઓ અને ૨ બાળકોનાં કુવામાં પડી જવાથી મોત થયાં હતા.
નોરંગિયા સ્કુલ ટોલા વિસ્તારમાં એક ઘરે લગ્નની હલ્દીની રસમ ચાલી રહી હતી ત્યારે નજીકમાં આવેલા કુવા પર કેટલીક મહિલાઓ ઉભી હતી. આ સમયે કુવા પર લગાવેલી લોખંડની જાળી અચાનક ટુટી જતાં એક ડઝનથી વધુ મહિલાઓ કુવામાં પડી ગઈ હતી. જેમાંથી કુલ ૧૧ મહિલાઓ અને ૨ બાળકોના કુવામાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. આમ લગ્નનો હલ્દીનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો હતો.
આ ઘટનાને લઈને ડી.એમ અને એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોને રેસ્ક્યુ કરવાનુ અને તેમને સારવાર કરવાનું કામ ચાલુ કરાયું હતું. ડી.એમે ૧૧ લોકોના મોતની પુષ્ટી કરી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારના લોકો ઘટના સ્થળ પર ઉમટ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કુશીનગરની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનેલી દુર્ઘટના હ્રદયવિદારક છે. આ ઘટનામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો માટે હું સંવેદના વ્યક્ત કરુ છે. આ સાથે ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે હું કામના કરું છું. સ્થાનિક તંત્ર દરેક સંભવ મદદ માટે કામ કરી રહ્યું છે.