ધો.૧૦-૧૨ની પ્રિલિમ પરીક્ષા ૧૦મી થી શરૃ થઈ છે ત્યારે સ્કૂલ કક્ષાએ પેપરો તૈયાર કરી લેવામા આવતી આ પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના કેટલાક વિષયના પેપરો જવાબો સાથે યુટયુબ પર પરીક્ષા પહેલા જ અપલોડ થઈ ગયા હતા.
કેટલીક સ્કૂલોએ શાળા વિકાસ સંકુલ મારફતે ખાનગી પ્રિન્ટિંગ પ્રેસ-પ્રકાશન કંપની પાસેથી પેપરો તૈયાર કરાવ્યા છે ત્યારે આ સમગ્ર કેસમાં બોર્ડે તપાસની સૂચના આપી છે અને સાઈબર ક્રાઈમે તપાસ પણ શરૃ કરી છે.
ધો.૯થી૧૨માં અગાઉ પ્રિલિમ પરીક્ષાના પેપરો બોર્ડ દ્વારા તૈયાર કરીને જિલ્લા કક્ષાએ સ્કૂલોમાં મોકલાતા હતા અને પરીક્ષા લેવાતી હતી પરંતુ તેમાં પણ અગાઉ પેપરો ફૂટવાની ફરીયાદો ઉઠી હતી તેમજ સ્કૂલોએ પણ પરીક્ષા સ્કૂલ કક્ષાના પેપરોથી જ અને પોતાના ટાઈમ ટેબલથી લેવા દેવાની છુટ આપવા માંગ કરી હતી.જેને પગલે સરકારની મંજૂરીથી બોર્ડે સ્કૂલોને પોતાની રીતે જ પેપરો તૈયાર કરી પરીક્ષા લેવાની છુટ આપી દીધી છે અને ૧૦મીથી શરૃ થયેલી દ્વિતિય પરીક્ષા આ રીતે જ લેવાઈ રહી છે.
કેટલીક સ્કૂલો પોતાની રીતે પેપરો તૈયાર કરવાને બદલે શાળા વિકાસ સંકુલ મારફતે પેપરો કઢાવે છે. અમદાવાદમાં કેટલાક શાળા વિકાસ સંકુલ દ્વારા ધો.૧૦-૧૨ના પેપરો ખાનગી પ્રકાશન કંપની એવી નવનીત પ્રકાશન પાસે તૈયાર કરાવવામા આવ્યા હતા.
નવનીત પ્રકાશન દ્વારા આ પેપરો પ્રિન્ટીંગ કરાયા છે ત્યારે પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર પેપરો જવાબોના સોલ્યુશન્સ સાથે ફરતા થઈ ગયા હતા.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ફરિયાદ કરી છે કે નવનીત પ્રકાશને ઘાટલોડીયા પોલીસમાં જો લેખિત ફરિયાદ કરી હોય તો ૨૪ કલાક છતાં કેમ પગલા ન લેવાયા ? ખાનગી પ્રકાશનના પેપર લીક થયા છે અને પેપરો લીક થવાથી હોંશિયાર વિદ્યાર્થીઓનું મનોબળ તુટે છે. સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને જવાબદાર ખાનગી પ્રકાશનની પણ તપાસ કરવી જોએ.આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ બોર્ડે ડીઈઓને તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપી છે.ડીઈઓ દ્વારા તપાસ પણ શરૃ કરાઈ છે અને સાઈબર ક્રાઈમની મદદ લેવાઈ છે.
યુટયુબ દ્વારા પેપરો જવાબો સાથે અપલોડ કરાયા છે તેને શોધી કઈ રીતે પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા ફરતા થયા તે પગેરું શોધાશે.