DGP આશિષ ભાટિયાનો આદેશ: રાજ્યમાં વધતી કબૂતરબાજીની ઘટનાઓ સામે કડક પગલા લેવા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી માનવ તસ્કરી તથા કબુતરબાજીની અનેક ઘટનાઓ સામે આવી છે. ગેરકાયદેસર રીતે વિદેશ જવું અત્યંત જોખમી છે, તેમ છતાં વિદેશમાં જવાની ઘેલછામાં અનેક લોકો જોખમી વિકલ્પો અપનાવી નકલી એજન્ટોની ચંગુલમાં ફસાઇને કબુતરબાજીનો ભોગ બને છે.

આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઇ, આવી ગેરકાયદેસર વિદેશ જવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા અને આવી ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકાળયેલ ઇસમો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. સાથે જ જાહેર જનતાએ પણ આવા લેભાગુ તત્વોથી દૂર રહેવા તેમજ આવા કોઇપણ ગેરકાયદેસર રેકેટ જણાઇ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ બાબતે પોલીસ વડા આશિષ ભાટિયાએ સી.આઇ.ડી. ક્રાઇમના વડાની રાજ્ય સ્તરના નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે. આ સબંધમાં ગેરકાદેસર રીતે કામ કરતા ઇસમો ઉપર વોચ રાખી, ગુનાહીત બાબત જણાઈ આવે, તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આ પ્રકારની પ્રવૃત્તિ માટે જે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવે છે, તેનો અભ્યાસ કરીને આવી ગુનાહિત પ્રવૃત્તિના રેકેટનો પર્દાફાશ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે પાસપોર્ટમાં ફોટો બદલી બનાવટી દસ્તાવેજો આધાર વિઝા મેળવવા અંગેના ફ્રોડ કરવાની પ્રવૃત્તિ સામેલ છે. આ ઉપરાંત મેક્સીકો કેનેડા અથવા આફ્રિકા જેવા દેશમાં પહેલા મોકલીને બાદમાં ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરીકા અથવા અન્ય યુરોપના દેશોમાં ઇમીગ્રેશન કરાવવાની પ્રવૃત્તિ અથવા આવી લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરવાના બનાવો પર રોક લગાવવા સૂચનાઓ આપવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *