ઉત્તરપ્રદેશ અને પંજાબમાં આજે વહેલી સવારથી જ વિધાનસભ ચૂંટણી માટેનું મતદાન શરુ થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી થશે. ત્યારે ઉત્તરપ્રદેશમાં આજે વિધાનસભાના ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ત્રીજા તબક્કાના આ મતદાનમાં 16 જિલ્લાના 59 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં 15 બેઠક અનુસૂચિત જાતિની અનામત છે. આ તબક્કામાં 97 મહિલાઓ સહિત કુલ 627 ઉમેદવારો મેદાનમાં છે.
બીજી બાજુ પંજાબમાં પણ વિધાનસભાની 117 બેઠકો માટે આજે થનાર મતદાનમાં 93 મહિલાઓ સહિત 1,304 ઉમેદવાર મેદાનમાં છે. સાનેવાલ અને પટીયાલા ગ્રામીણ સીટ ઉપર સૌથી વધુ 19 – 19 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. દીનાનગર વિધાનસભાથી સૌથી ઓછા 5 ઉમેદવાર મેદાનમાં છે. મતદાન માટે 24,740 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. આ તમામ વિસ્તારોમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર સશસ્ત્ર પોલીસ બળ સહિત પર્યાપ્ત સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યાં છે. ચૂંટણીપંચે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 700 કંપનીઓ ફાળવવામાં આવી છે.