સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ધોરણ 10 અને 12ની પ્રિલીમીનરી પરીક્ષાના પ્રશ્નપત્રો પરીક્ષા પૂર્વે જ યુ ટયૂબ ઉપર ફરતા થયા હોવાની જાણ થઈ હતી.
તપાસ કરતાં યુ ટયૂબ લિન્કથી જાણવા મળ્યું હતું કે, આર.એમ. એકેડમીના માધ્યમથી ધોરણ 10નું સામાજીક વિજ્ઞાાન અને અન્ય વિષયનું પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ફરતું થયું હતું. દિપક મકવાણા નામના પ્રોફાઈલધારકે ઈન્સ્ટાગ્રામ પર લિન્ક અપલોડ કરી જણાવ્યું હતું કે, આટલું તૈયાર 80માંથી 80 ગુણ મેળવી શકશો.
ગુજરાતી માધ્યમના પેપરનું અંગ્રેજીમાં રૂપાંતર કરીને પણ સમજ અપાઈ હતી. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે ધો. 10-12ની પ્રિલીમીનરી પરીક્ષાના પેપર યુ-ટયૂબ ઉપર મુકાતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. લિન્ક કરેલા પ્રશ્નપત્રો નવનીત એજ્યુકેશન લિમિટેડના હોવાથી તપાસ કરતાં જણાયું હતું કે, નવનીત એજ્યુકેશન લિમિટેડએ પેપર તૈયાર કરીને શાળાઓમાં મોકલાવ્યા હતા.