કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ત્રીજો મોરચો બનાવવાની કવાયત મહારાષ્ટ્રથી શ્રીગણેશ કર્યા હોવાનું તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખરે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રથી શરૂ થતા મોરચા કે કૂચ હંમેશાં સફળ થાય છે. એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. બદલો લેવાની ભાજપની રાજનીતિ ખતમ થવી જોઈએ એવો ભાર મૂક્યો હતો. તલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ આજે એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા બંગલામાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે તેમણે લગભગ બે કલાક ચર્ચા કરી હતી. આ વેળા સાંસદ સંજય રાઉત અને દક્ષિણની ફિલ્મોના અભિનેતા પ્રકાશ રાજ પણ હાજર હતા. ત્યાર બાદ કે. ચંદ્રશેખર રાવ અને ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.
ભાજપ અને મોદી વિરૂદ્ધ બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને એક મંચ લાવવાનો પ્રયાસ કરીને ત્રીજો મોરચો બનાવવાનો સંકેત કે. ચંદ્રશેખર રાવે આપ્યો હતો. આ વખતે સંયુક્ત પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આજ મુદ્દા પર ભાર મૂક્યો હતો. આજથી કેન્દ્રની સામે ત્રીજો મોરચો બનાવવાના શ્રી ગણેશ કર્યા છે.
અન્ય નેતાઓ સાથે પણ ખૂલીને વાત કરીશું. ત્રીજો મોરચો કેવી રીતે શરૂ થશે તેની ગંભીરપણે ચર્ચા કરીશું. તેમાં કોઈ શંકા નથી. ભાજપ કેન્દ્રીય સિસ્ટમનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કરી રહી છે, એમ કહીને ભાજપ પર નિશાન તાક્યું હતું. કેન્દ્ર સરકારે પોતાની નીતિ બદલવી પડશે નહીં, તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું. હું આઝાદીના ૭૫ વર્ષ બાદ દેશ, રાજ્યની રાજનીતિ પર ચર્ચા કરવા મહારાષ્ટ્રમાં આવ્યો છું. ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને મને આનંદ થયો છે. આ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેઓની સહમતિ બની હતી. દેશમાં સુધારા કરવા, દેશનો વિકાસ કરવા પર ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં અમે હૈદરાબાદમાં પણ મળીશું.
મહારાષ્ટ્રની સરકારની મદદથી અમારા માટે ઘણી વસ્તુઓ સરળ બની છે. તેથી આ મિત્રતા અમારી ટકી રહેશે એવી આશા કે. ચંદ્રશેખર રાવે વ્યક્ત કરી હતી. બન્ને રાજ્યો વચ્ચે ૧૦૦૦ કિ.મી.ની સરહદ છે. દેશની રાજનીતિ બદલવી પડશે.
દેશનું વાતાવરણ ખરાબ ન હોવું જોઈએ. મહારાષ્ટ્રથી શરૂ થયેલી કૂચ હંમેશાં સફળ રહી છે. શિવાજી મહારાજ અને બાળ ઠાકરે જેવા યોદ્ધા હંમેશાં લડવાની પ્રેરણા આપે છે. અમે લોકશાહી માટે લડવા માગીએ છીએ, દેશમાં મોટા પરિવર્તનની જરૂર છે. એમ કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું.