યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારત સહિતના વિશ્વબજારમાં જોવા મળી રહી છે. SGX નિફ્ટીના સંકેતો અનુસાર જ બેંચમાર્ક ઇન્ડાયસિસ 2 ટકાથી વધુના કડાકે ખુલ્યા છે. બીએસઇ સેન્સેકસ ૧૨૫૦ અંક નીચે ૫૮૪૩૦ના લેવલે અને નિફટી૫૦ ૩૬૦ અંક નીચે ૧૬૮૪૫ના સ્તરે જોવા મળી રહ્યા છે.
બ્રોડર માર્કેટમાં વધુ ખાનાખરાબી જોવા મળી રહી છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.87 ટકા, ૪૪૦ અંક તૂટયો છે ત્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૬૦૦ અંક, 2.25 ટકા તૂટ્યો છે. શરૂઆતી તબક્કામાં બીએસઇ ખાતે 2110 ઘટનારા શેરની સામે માત્ર ૩૦૦ શેર જ વધીને કામકાજ કરી રહ્યાં છે. ૧૪૮ શેરમાં આજે ૫૨ સપ્તાહનું નવું તળિયું જોવા મળી રહ્યું છે.
યુધ્ધ જોખમ વધી જતાં પુરવઠો ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઇલના ભાવ ૯૭ ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. બીજી તરફ એશીયાઇ શેરબજરોમાં કડાકો બોલી ગયો છે. જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ ૬૦૦ પોઇન્ટ, હોંગકોંગમાં હેંગ સેંગ ૭૨૭ પોઇન્ટ, દક્ષિણ કોરિયામાં કોસ્પી ૬૦ પોઇન્ટ તૂટયા છે.