કર્ણાટકમાં બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યા બાદ હિંસા વકરી

કર્ણાટકમાં હિજાબનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. હાલ આ મામલો સ્કૂલ-કોલેજોથી લઇને હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે હાઇકોર્ટમાં કર્ણાટક સરકારે એવી દલીલ કરી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી. તેને શૈક્ષણિક સંસૃથાઓમાંથી બહાર રાખવો જોઇએ.

ડો. ભીમરાવ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે આપણે આપણા ધાર્મિક પ્રતિકોને શૈક્ષણિક સંસૃથાઓમાંથી બહાર રાખવા જોઇએ. બીજી તરફ કર્ણાટકમાં હિજાબના વિવાદ વચ્ચે શિવમોગા જિલ્લામાં બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી જેને પગલે હિંસાની ઘટના સામે આવી છે અને જિલ્લામાં ૧૪૪ લાગુ કરાઇ છે.

હિજાબનો વિવાદ હવે ધાર્મિક સ્વરૂપ ધારણ કરી શકે છે. રાજ્યમાં બજરંગ દળના એક ૨૬ વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જેની અંતિમક્રીયા વખતે હિંસાની ઘટનાઓ સામે આવી છે. જેમાં એક ફોટો પત્રકાર અને મહિલા પોલીસ સહિત ત્રણ લોકો ઘવાયા હતા.

અસામાજિક તત્વો દ્વારા અંતિમક્રીયા માટે જઇ રહેલા લોકો પર પથૃથરમારો કરવામાં આવ્યો હતો ત્યારે આ હિંસા ફાટી નીકળી હતી. જે પછી અનેક વાહનોને આગ લગાવી દેવાઇ હતી જ્યારે અનેક દુકાનોને પણ બંધ કરી દેવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે જ્યારે અહીંના સૃથાનિક શિવમોગાની હોસ્પિટલમાંથી શિવસેના કાર્યકર્તા હર્ષનો મૃતદેહ લઇ જવાઇ રહ્યો હતો ત્યારે આ પથૃથરમારો થયો હતો.

હિજાબના વિવાદ વચ્ચે બજરંગ દળના કાર્યકર્તાની હત્યાને પગલે ફાટી નિકળેલી હિંસા પછી શીવમોગા જિલ્લામાં ૧૪૪ લાગુ કરી દીધી છે. આ હત્યાને હિજાબ વિવાદ સાથે પણ જોડવામાં આવી રહી છે. જોકે તેને હિજાબ વિવાદ સાથે કઇ લેવા દેવા છે કે નહીં તે અંગે પ્રશાસન દ્વારા કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને હત્યા પાછળના ચોક્કસ કારણો ચકાસાઇ રહ્યા છે.

ગૃહ મંત્રી અરાગા જનેંદ્રએ જિલ્લાની સ્કૂલ તેમજ કોલેજોને આગામી બે દિવસ માટે બંધ રાખવાના આદેશ આપ્યા છે. હત્યાના વિરોધમાં હાલ પ્રદર્શનો થઇ રહ્યા છે. દરમિયાન પોલીસનો દાવો છે કે હર્ષ હિન્દુ નામના આ યુવક પર અગાઉ હત્યા સહિતના પાંચ કેસો દાખલ છે તેથી જુની અદાવતમાં તેની હત્યા થઇ હોઇ શકે છે. પોલીસ દ્વારા આ હત્યાકાંડ પછી ત્રણની ધરપકડ કરાઇ છે.

દરમિયાન હાઇકોર્ટમાં હિજાબ વિવાદ મુદ્દે સરકાર વતી દલીલ કરતી વેળાએ સોલિસિટર જનરલ પ્રભુલિંગ નાવડગીએ કહ્યું હતું કે કોઇ ધાર્મિક પોષાક કે પ્રથા અતી જરૂરી છે કે નહીં તે નક્કી કરવા માટે ત્રણ ટેસ્ટ છે. શું તે મૂળ વિશ્વાસનો હિસ્સો છે?, શું આ પ્રથા તે ધર્મ માટે મૌલિક છે?, જો આ પ્રથાનું પાલન ન કરવામાં આવ્યું તો તેની સાથે જોડવામાં આવનારા ધર્મનું અસ્તિત્વ ખતમ થઇ જશે?

દરમિયાન ચર્ચા વખતે કોર્ટે સીધો સવાલ કરતા પૂછ્યું હતું કે હિજાબની અનુમતી આપવામાં આવશે કે નહીં? જવાબમાં સરકારે કહ્યું કે જો હિજાબને સ્કૂલ-કોલેજોમાં અનુમતી આપવામાં આવશે તો સરકાર કોઇ નિર્ણય લઇ શકે છે. સરકાર સ્કૂલ-કોલેજોને યુનિફોર્મ નક્કી કરવાની છુટ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *