ગુજરાતમાં ફરી એક વાર પાટીદાર આંદોલન ધમધમે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
અનામત આંદોલન વખતે પાટીદાર યુવાઓ પર કરાયેલા પોલીસ કેસો હજુ પાછા ખેંચાયા નથી તે મુદ્દે પાટીદારો સરકાર સામે બાંયો ખેંચવાના મૂડમાં છે.
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યુ છેકે, જો પાટીદારો સામે પોલીસ કેસો પાછા ખેંચવામાં નહી આવે તો ૨૩/૦૩/૨૦૨૨થી રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે.
થોડાક દિવસો પહેલાં ખોડલધામ સમિતીના ચેરમેન નરેશ પટેલ ઉપરાંત ભાજપના સાંસદોએ મુખ્યમંત્રીને મળીને અનામત આંદોલન વખતે પાટીદારો પર થયેલાં પોલીસ કેસો પાછા ખેંચવા રજૂઆત કરી હતી. તે વખતે કેસો પાછા ખેચવા ખાતરી પણ આપવામાં આવી હતી.
હજુ સુધી સરકારે આપેલુ વચન પાળ્યુ નથી. આ જોતાં પાટીદારો સરકારથી ખફા છે.નોંધનીય છેકે, પાટીદારો વિરૂધ્ધ નોધાયેલાં ૧૪૦ પોલીસ કેસો હજુય પાછા ખંચાયા નથી.
પાટીદાર યુવાઓ પર થયેલાં પોલીસ કેસો પાછા ખેંચવાના મુદ્દે હાર્દિક પટેલે હુંકાર કર્યો છેકે, પાટીદારો સાથે પણ સરકાર રાજરમત રમી રહી છે. નિર્દોષ પાટીદાર યુવાઓ પર થયેલાં કેસો પાછા ખેચવાના મામલે પણ સરકાર જાણે પાછાપાની કરી રહી છે.
પાટીદાર સમાજનો મુદ્દો હોઇ આ મુદ્દે લડત લડવાનુ નક્કી કર્યુ છે. આગામી તા.૨૫/૦૨/૨૦૨૨થી તા.૨૦/૦૩/૨૦૨૨ સુધી ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદોને ગુલાબનુ ફુલ આપીને કેસો પાછા ખેંચવાની રજૂઆત કરવામાં આવશે. તા.૨૮/૦૨/૨૦૨૨થી તા.૦૩/૦૩/૨૦૨૨ સુધી તમામ જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.
તા.૨૫/૦૨/૨૦૨૨થી તા.૨૩/૦૩/૨૦૨૨ સુધી ગુજરાતના ચારેય ઝોનમાં પાટીદાર આગેવાનો સાથે સંવાદ કરાશે. જયારે તા.૦૬/૦૩/૨૦૨૨ તમામ પાટીદાર આંદોલનકારીઓને એક મંચ પર એકઠા કરી સંઘર્ષ સાથી કાર્યક્રમ યોજી આગામી રણનીતિ ઘડવામાં આવશે. ટૂંકમાં, જો રાજ્ય સરકાર પાટીદારો સામે પોલીસ કેસો પાછા નહી ખેચે તો તા.૨૩/૦૩/૨૦૨૨થી ગુજરાતમાં આંદોલન ધમધમશે.