ખાદ્ય તેલના ભાવમાં ભડકો

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. કોરોના ની મહામારીમાં પડેલા આર્થિક સંકટના મારમાંથી હજુ તો જનતા માંડ બહાર આવી રહી હતી. ત્યાં હવે મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ  પણ ખોરવાઇ ગયુ છે. મળતી જાણકારી અનુસાર સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલ ના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. રાજકોટમાં એક જ દિવસમાં સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા સામાન્ય વર્ગ ચિંતામાં મુકાયો છે. કપાસિયા, સીંગતેલ અને પામોલીન તેલના ભાવ વધ્યા છે. એક જ દિવસમાં ખાદ્યતેલના ભાવોમાં ૨૦ રૂપિયાથી લઇને ૪૦ રુપિયા સુધીનો વધારો થયો છે. સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. તો એક જ દિવસમાં પામોલીન તેલમાં પણ ૩૦ રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલમાં પણ ૨૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના એક ડબ્બાના ભાવ ૨૪૦૦ રુપિયા નજીક પહોંચ્યા છે. તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ ૨૩૨૦ અને પામતેલના ડબ્બાના ભાવ ૨૧૪૦ રુપિયાએ પહોંચ્યાં છે.

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાંણે સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *