ગુજરાતમાં શિક્ષકોની અઢાર હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં પુરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ ૧૦૦૦૦ જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકો નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાતા પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા એક લાખ આઠ હજાર બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે.ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આ બાબતે સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતુ કે ખુદ સરકારે ભરતી કેલેન્ડર નિયત કર્યુ હોવા છતા દર વર્ષે ખાલી પડેલ જગ્યાઓમાં નિયમિત ભરતી કરવામાં આવતી નથી અને ફક્ત ચુંટણી સમયે જ ભરતી કરવામાં આવે છે
૨૦૧૭ વિધાનસભાની ચુંટણી પુર્વે ધોરણ ૧ થી ૫ માં માત્ર ૧૩૦૦ વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ ૬ થી ૮ માં ૨૦૦૦ વિદ્યાસહાયક ની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ભરતી ન થવાના કારણે લગભગ ૧૮૦૦૦ જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે ત્યારે ભરતી કેલેન્ડર મુજબ ધોરણ ૧ થી ૫ માં ૬૫૦૦ અને ધોરણ ૬ થી ૮૬૦૦૦ શિક્ષકોની એમ કુલ ૧૨૫૦૦ શિક્ષકોની ભરતી કરવાની જગ્યાએ સરકાર માત્ર ૩૩૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરી રહી છે તેની સામે ખાલી જગ્યાઓ ઉપર દસ હજાર પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે નિયુક્તિ કરી બેરોજગાર ઉમેદવારો અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે.
ત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ રાખી તમામ જગ્યાઓમાં લાયકાત ધરાવતા ટેટ ૧ અને ટેટ ૨ પાસ શિક્ષકોની નિયુક્તિ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની સાથે વિધાનસભાની ચુંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આપી હતી