ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આવતા રાજકારણ ગરમાવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે.એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
મંગળવારે જ કોંગ્રેસનાં પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે આજે ફરીથી ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે.
એએમસીના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર દ્વારા રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી દિનેશ શર્માનું રાજીનામું આપી દીધું છે. દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ હતા. ૨૧મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરીને તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
દિનેશ શર્માએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપતા પત્રમાં લખ્યું છે કે, ‘હું છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઇ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષમા સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બનાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવ્યો છું. છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.’
દિનેશ શર્માએ ટ્વિટ કરી પોતાની વેદના ઠાલવી હતી. એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ મંગળવારે જણાવ્યુ હતું કે, પહેલાના સમયમાં રાજા રજવાડા હતા. રાજાઓ જે આદેશ અને નિર્ણય જાહેર કરે તે તમામ પ્રજાએ સ્વિકાર કરવાનો રહેતો હતો. પરંતુ આજે આઝાદ ભારતમાં જે સરદાર વલ્લભાઇ પટેલ અને મહાત્મા ગાંધીની કોંગ્રેસ છે. કોંગ્રેસના નેતાઓ લોહિ રેડી કોંગ્રેસ પક્ષનું સિંચન કર્યું છે. પરંતુ આજે પાર્ટીમાં કેટલાક ખોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે. જે અંગે મને નારાજગી છે.