એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે ઘાટનું નિર્માણ કરી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાયો છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે. અત્રે આવનાર પ્રવાસીઓ માટે નર્મદા મહાઆરતી એક અનન્ય આકર્ષણ બની રહેશે તે નિશ્ચિત છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે ૭.૩૦ કલાકે શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ચ્યુઅલ મહાપૂજા કર્યા બાદ નર્મદા મહાઆરતી નિહાળી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કરશે. શ્રધ્ધાળુઓ www.narmadamahaaarti.in વેબસાઈટ મારફતે આરતીની યજમાનીનો લાભ લઇ શકશે તથા ઉપયોગી માહિતી મેળવી શકશે.
આદિવાસી ખેડૂતની જમીનમાં પકવેલા અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી સ્થળે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.