રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યાના ૪-૫ કલાકના સમયમાં જ વિશ્વના ટોચના ૨૦ અમીરોની સંપત્તિમાં રૂ. ૩.૧૧ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું છે. તેવી જ રીતે ભારતની વાત કરીએ તો મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ઉદય કોટક, દિલીપ સંઘવી સહિતના ટોચના ૧૦ ધનકુબેરોએ અંદાજે રૂ. ૬૦,૦૦૦ કરોડ ગુમાવ્યા છે. વિશ્વના સૌથી આમિર ટેસ્લાના એલન મસ્ક એકલની વેલથમાં જ રૂ. ૧ લાખ કરોડનો ઘટાડો થયો છે.
ફોર્બ્સના રિયલટાઇમ ડેટા મુજબ ભારત તેમજ વિશ્વના અમીરોની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હતી અને આજે ગુરુવારે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. જેના પગલે અમીરોની લિસ્ટેડ કંપનીઓના શેરમાં પણ ધોવાણ થયું હતું. આ બધાને કારણે મોટાભાગના ધનકુબેરોની સંપત્તિમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
યુદ્ધના પગલે શેરના ભાવ ઘટી જવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીની વેલ્થમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુનું ધોવાણ થયું છે. તેવી જ રીતે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ રૂ. ૯,૭૦૦ કરોડ જેટલી ઘટી છે. આ ઉપરાંત HCL ટેકનોલોજીના શિવ નદારની વેલ્થ રૂ. ૫,૩૦૦ કરોડ જેટલી ઘટી છે. રાધાક્રિષ્ના દામાણી, દિલીપ સંઘવી અને કુમાર બિરલાને પણ હજારો કરોડનું નુકસાન થયું છે.
યુદ્ધ શરૂ થયાના સમાચાર મળતાની સાથે જ અમેરિકા, બ્રિટન, જાપાન, ભારત, ચીન સહિતના વિશ્વના શેરબજારોમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું. જેના પગલે વિશ્વના ટોપ-૨૦ અમીરોએ કારોડોમાં સંપત્તિ ગુમાવી હતી. આ યાદીમાં ટેસ્લાના એલન મસ્ક સૌથી ઉપર છે. આ ઉપરાંત ફેસબુકના માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને રોકાણ કરવા માટે જાણીતા વોરેન બફેટની નેટવર્થમાં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે.
સૌથી વધુ ધોવાણ જોઈએ તો વિશ્વના ટોચના ત્રણ અમીરો એલન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેઝોસની સંપત્તિમાં રૂ. ૧.૫૧ લાખ કરોડનો ઘટાડો થયો છે. એટલે કે ટોચના ૨૦ ધનકુબેરોએ રૂ. ૩.૧૧ લાખ કરોડની જે વેલ્થ ગુમાવી છે તેમાંથી અડધી તો આ ત્રણે જ ગુમાવી છે. આમાં એલન મસ્ક અને જેફ બેઝોસ અમેરિકાના છે જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ ફ્રાંસના છે.