રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા તે ત્યાં ફસાયા છે. ગુજરાતના પણ અનેક રાજકોટ, ગોંડલ, વડોદરા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા આવા જ રાજકોટના એક વિદ્યાર્થીએ સાથે વાતચીત કરીને ત્યાંથી સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
યુક્રેનમાં ફસાયેલા મૂળ રાજકોટના વિદ્યાર્થી હર્ષ સોનીએ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સવારના ૩.૩૦થી ૪ વાગ્યાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજી સુધી મારી આંખે યુદ્ધના દૃશ્યો જોયા નથી. પણ સવારે સાડા ત્રણ વાગે બહુ જ ધડાકાના સંભળાયા હતા. હાલ તકલીફમાં એટલું જ છે કે બને તેટલું જલ્દી અહીંથી અમારૂ સ્થળાંતર થાય. અમે ફ્લાઈટ કરાવી હતી અને આજની જ હતી પણ યુદ્ધના કારણે તે બંધ કરાવી છે. અમારા અડધા વિસ્તારમાં લાઈટ છે અને અડધામાં નથી. હાલ અમે રહીએ છીએ ત્યાંથી ૩૮૦ કિમી દૂર યુદ્ધ ચાલી રહ્યું છે.
ગોંડલથી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયેલી બે દીકરીઓ દેશમાં પરત ન આવી શકતા પરિવાર ચિંતિત બન્યો છે. ગોંડલના જેતપુર રોડ પર આવેલ સંજય સોસાયટીમાં રહેતા અને જામવાળી જીઆઇડીસીમાં દિપાલી ઓઇલ ચલાવતા રાજેશભાઈ રામાણીની પુત્રી બંસી અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષભાઈ દાફડાના પુત્રી દેવાંશી છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ કરી રહી છે, દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતા હાલ આ બન્ને દીકરીના પરિવાર ઘેરા શોકમાં ગરક થઇ જવા પામ્યો છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા વડોદરાના ૪ વિદ્યાર્થીઓ અટવાયા છે. તેઓ આજે ફ્લાઇટમાં ભારત આવવા રવાના થવાના હતાં. પરંતુ હુમલાના કારણે તમામ ફ્લાઈટ રદ થઈ જતા વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ અટવાયા છે. આ વિદ્યાર્થીઓ આજે ફ્લાઇટમાં દિલ્હી આવવાના હતાં. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે હુમલાની સ્થિતિને કારણે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. જેથી તમામને બસમાં પરત તેમની યુનિવર્સિટી લઇ જવામાં આવ્યા છે. યુક્રેનમાં અટવાયેલા વડોદરાના આ ચાર વિદ્યાર્થીઓના નામ અદિતી, વિશ્વા, મહાવીર સિંહ અને દેવ શાહ છે. ભારતના વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આ વિદ્યાર્થીઓ વિગત આપવમાં આવી છે.
રાજકોટના હર્ષ સોની સાથે અન્ય ૩ ગુજરાતી વિદ્યાર્થીઓ છે જેમાં દ્રષ્ટિ નાવલે, જાનવી ઠક્કર અને પાર્થ પટેલ છે. આ ચારેય લોકો યુક્રેન એમબીબીએસનો અભ્યાસ કરવા ગયા હતા. પરંતુ અત્યારે યુદ્ધની સ્થિતિમાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. અત્યારે તમામ ફલાઇટ પણ રદ થઈ છે જેથી તેઓ પરત આવી શકતા નથી માટે વતન પરત આવવા વીડિયો દ્વારા મદદ માંગી છે.
હર્ષ સોનીએ યુક્રેનથી વિડિઓ બનાવીને ભારત મોકલ્યો છે. જેમાં તે કહે છે કે, અમે યુક્રેનમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં ઓડેસા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ. બધા જાણે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અચાનક વધી ગઈ છે, અમે યુક્રેન છોડવા અને ભારત પાછા જવા માટે દૂતાવાસ તરફથી અગાઉની માર્ગદર્શિકા હતી, પરંતુ રશિયા તરફથી ખૂબ જ તીવ્ર વધારો થવાને કારણે ફ્લાઇટ્સ બુકિંગ કર્યા પછી પણ બધું રદ કરવામાં આવ્યું છે અને ઘણાં લોકો ફસાયા છે.