મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને જામનગરમાં કુલ ૭૩૮.૮ર કરોડ રૂપિયાના આંતરમાળખાકીય વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ર૦ર૧-રરના વર્ષ માટે આ બે મહાનગરપાલિકાઓ દ્વારા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ વર્કસ માટે શહેરી વિકાસ વિભાગ તરફથી મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ફિઝીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ-ભૌતિક આંતરમાળખાકીય વિકાસના ર૧૭ કામો માટે પ૬૭.૭૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ ર૧૭ કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, એસ.ટી.પી, સુએઝ નેટવર્ક, અલગ અલગ ૭ ઝોનમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, પાણીની લાઇન, બોરના કામ, રોડ રિસરફેસીંગ, થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ લગાવવાના કામો વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સામાજીક આંતરમાળખાકીય વિકાસમાં હોસ્પિટલ બિલ્ડીંગ, મેડીકલ ઇક્વીપમેન્ટસ ખરીદી, કોમ્યુનિટી હોલ, કોવિડ-19 સંલગ્ન આઇ.સી.યુ બેડ, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, અર્બન હેલ્થ સેન્ટર જેવા ૧૯ કામો માટે ૧૬ર.૮૪ કરોડ રૂપિયા અમદાવાદ મહાપાલિકાને ફાળવ્યા છે
તેમણે અર્બન મોબિલીટીના કામો અંતર્ગત બે કામો માટે પ.પ૦ કરોડની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કરી છે. આમ, મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને સમગ્રતયા ર૩૮ કામો માટે ૭૩૬.૧૦ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જામનગર મહાનગરપાલિકામાં પણ આંતરમાળખાકીય વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ર.૭ર કરોડ રૂપિયા વોર્ડ નં.૧પ ગ્રીન સિટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલા આંતરમાળખાકીય વિકાસના આ વિવિધ કામો હાથ ધરાવાને પરિણામે આ મહાનગરોમાં નાગરિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.