અમદાવાદ એટલે ગુજરાતનું ગૌરવ. વિશ્વ વિરાસત સ્થળ બનેલા આ અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 610 વર્ષ પૂર્ણ થયાં છે. આજના જ દિવસે એટલે કે, તારીખ 26મી ફેબ્રુઆરી, 1411 ના રોજ અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી, શહેરની પ્રથમ દિવાલ ચણવાનું કામ માણેક બુર્જથી શરુ કરાવ્યું હતું, જેથી શહેરનું નામ અહમદાબાદ પડ્યું, જે સમય જતાં અપભ્રંશ થઈને હાલમાં અમદાવાદ તરીકે ઓળખાય છે.
એવું કહેવામાં આવે છે કે, અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા, ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન તેમના રાજ્યની રાજધાની માટેના સ્થળની શોધમાં હતા. તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. તેના પરથી જ એક કહેવત છે કે “જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા”. અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચારેય બાજુ કોટ ચણાવ્યા હતા. જેમાં 12 દરવાજા મૂકવડાવવામાં આવ્યા હતા.
આવી જ અનેક વૈશ્વિક વિરાસતો ધરીને બેઠેલા અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્ષ 2017 માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે આપવામાં આવ્યો હતો. સાબરમતી નદીના કાંઠે વસેલું આ અમદાવાદ શહેર આજે ધમધમતું વ્યાપારી કેન્દ્ર બની ગયું છે. સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ જેવા અનેક માળખાકીય વિકાસ સાથે શહેરની રોનક જ બદલાઈ ગઈ છે. બાદશાહ હજીરો, ચબુતરો, જુમ્મા મસ્જિદ, પોળનું એક ઘર, સીદી સૈયદની જાળી, કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કાંકરિયા તળાવ જેવા અનેક સ્થળો આજે અમદાવાદની ઓળખ બન્યા છે.
અમદાવાદની પોળોના રહેઠાણ તેમજ તેનું સ્થાપત્ય જોવા માટે પ્રવાસીઓ માટે હેરિટેજ વૉક કરવામાં આવે છે. અમદાવાદના દરવાજાઓની વાત કરવામાં આવે તો અમદાવાદને કલાકૃતિથી કરેલ કારીગરીવાળા 12 દરવાજો છે. લાલ દરવાજા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, જમાલપુર દરવાજા, સારંગપુર દરવાજા, દરિયાપુર દરવાજા, કાલુપુર દરવાજા, રાયખંડ દરવાજા, શાહપુર દરવાજા, ખાનપુર દરવાજા આમ આજે અમદાવાદની રોનક બદલાઈ છે. આજે અમદાવાદમાં દેશ વિદેશથી આવતા લોકો અમદાવાદના જોવાલાયક સ્થળોની પણ મજા માણે છે. સમયની સાથે અમદાવાદના વિકાસે વેગ પકડ્યો છે.
બહારથી આવતા લોકોને આપવા માટે અમદાવાદ પાસે બધું જ છે. અમદાવાદની ખાણી-પીણી, અમદાવાદના હેરિટેજ સ્થળો, અમદાવાની બજારો, અમદાવાદની મિલો અને બીજું ઘણું બધું.