રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. આ ચાર દિવસમાં રશિયા દ્વારા યુક્રેન પર સેંકડો હુમલાઓ કરવામાં આવ્યા છે. જેમાં યુક્રેનના અનેક સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી પરામર્શ કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને સરકારી ખર્ચે વતન લાવવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સરકારે યુક્રેનના પડોશી દેશોની પરવાનગી સાથે તેના માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર તથા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા પણ ઉપસ્થિત હતા. આ સિવાય અનેક ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. મીટિંગમાં યુક્રેનની વર્તમાન સિસ્થિ, ભારતનું ‘ઓપરેશન ગંગા’ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંસદની સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત ડોભાલ સહિતના અનેક લોકો સામેલ થાય હતા. આ સિવાય આ બેઠક બાદ નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. તો શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ પણ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.