યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમેર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રુસ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. એક વીડિયો સંદેશમાં તેમને કહ્યું કે તુર્કી અને અઝરબૈજાનના રાજદ્વારી પ્રયાસોનું સ્વાગત કરું છું. રશિયાએ રાષ્ટ્રપતિ પુતિન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેફ વચ્ચે ફોન પર વાતચીતની પુષ્ટિ કરી છે, પરંતુ યુક્રેન સાથે વાતચીત ફરી શરૂ કરવાનો કોઈ સંકેત આપ્યો નથી.
એક દિવસ પહેલા, ઝેલેન્સકીએ નાટોમાં જોડાવાની તેની મહત્વાકાંક્ષા છોડી દેવાની રશિયાની મુખ્ય માંગ પર વાટાઘાટો કરવાની ઓફર કરી હતી.
દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને ઇંગ્લેન્ડ રશિયા સામેના આર્થિક પ્રતિબંધોના ભાગરૂપે SWIFT વૈશ્વિક નાણાકીય સંદેશા વ્યવસ્થામાંથી પસંદગીની રશિયન બેંકોને બાકાત રાખવા સહમત થયા છે. આ સિસ્ટમનો ઉપયોગ રશિયા વિશ્વભરની 11 હજારથી વધુ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને ઇંગ્લેન્ડ પણ રશિયાની કેન્દ્રીય બેંક પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો લાદવા માટે સંમત થયા છે.
દરમિયાન, યુએસ અને ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્ય હવે યુક્રેનની રાજધાની – કિવથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર છે. તે જાણી શકાયું નથી કે રશિયન સૈન્યએ કેટલો મોટો વિસ્તાર કબજે કર્યો છે અથવા તેની પ્રગતિને કેટલી હદ સુધી અવરોધિત કરવામાં આવી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, સંસાધનની મુશ્કેલીઓ અને મજબૂત યુક્રેનિયન પ્રતિકારને કારણે રશિયન સૈન્યની પ્રગતિ ધીમી પડી છે.
બીજી તરફ, રશિયાએ દાવો કર્યો છે કે ઉત્તર, પૂર્વ અને દક્ષિણથી યુક્રેન પર તેના હુમલાનો હેતુ માત્ર સૈન્ય મથકોને નુકસાન પહોંચાડવાનો છે. પરંતુ યુક્રેને દાવો કર્યો છે કે તેના પુલ, શાળાઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.