મન કી બાતની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશથી ભારતની ચોરાયેલી મૂર્તિઓ પરત લાવવાની સફળતાના ઉલ્લેખ સાથે કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં જ આપણો દેશ ભારત ઇટાલીથી તેના મૂલ્યવાન વારસામાંથી એક વારસો પરત લાવવામાં સફળ રહ્યું છે. ઇટાલીથી લાવવામાં આવેલો આ વારસો એટલે અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. આ મૂર્તિ બિહારમાં ગયાજીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી થોડા વર્ષો પહેલા ચોરાઈ ગઈ હતી, પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે. એ જ રીતે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. ચોરાયેલી હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. ઓસ્ટ્રેલિયામાં આ મહિનાની શરૂઆતમાં જ ભારતને આ મૂર્તિ મળી, અને ભારતના હાઇકમિશનને મળી ચૂકી છે.
ભારતના હજારો વર્ષ જુના ઈતિહાસમાં દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી. વિવિધતાથી ભરપૂર આ દરેક મૂર્તિના તત્કાલીન સમયનો પ્રભાવ જોવા મળે છે. તેઓ ભારતીય શિલ્પકલાનું અનોખું ઉદાહરણ તો હતું જ અને તેમની સાથે આપણી શ્રદ્ધા પણ જોડાયેલી હતી. ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી રહી હતી. કયારેક આ દેશમાં તો કયારેક કોઈ બીજા દેશમાં આ મૂર્તિઓ વેચાતી અને તેમના માટે તે માત્ર કલાકૃતિ હતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા હતો કે, ન તેની શ્રદ્ધા સાથે લેવા દેવા હતા. આ મૂર્તિઓને ભારતમાં પરત લાવવાની જવાબદારી આપણી છે. આ મૂર્તિઓનું એક સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ પણ છે. આ જવાબદારીને સમજીને ભારતે તેના પ્રયાસો વધાર્યા અને તેનું કારણ એ પણ હતું કે ચોરી કરવાની જે વૃત્તિ હતી તેમાં પણ ડર ઉત્પન્ન થયો.
જે દેશોમાં આ મૂર્તિઓ ચોરી કરીને લઈ જવામાં આવી હતી, હવે તેઓને પણ એવું લાગવા લાગ્યું છે કે, ભારત સાથેના સંબંધોમાં સોફ્ટ પાવરની જે diplomatic channel હોય છે, તેમાં તેનું પણ ઘણું મહત્વ હોઈ શકે છે. હમણાં થોડા દિવસો પહેલા જ જોયું હશે કે, કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પણ પાછી લાવવામાં આવી હતી. તે ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું આ ઉદાહરણ છે. વર્ષ 2013 સુધી લગભગ 13 મૂર્તિઓ ભારતમાં પરત આવી હતી. છેલ્લા સાત વર્ષમાં 200 થી પણ વધુ કિંમતી મૂર્તિઓને ભારત સફળતાપૂર્વક પરત લાવ્યું છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજીને મૂર્તિઓને પરત લાવવામાં આપણી મદદ કરી છે.