મહા માસની અંધારી ચૌદશ એ શિવજીની અતિપ્રિય રાત્રિ છે અને તેથી તે મહા શિવરાત્રિ કહેવાય છે.
રાજ્યભરમાં આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિનું પર્વ ઉજવાશે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં મંદિરોમાં બે વર્ષમાં પ્રથમવાર મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે.
મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સવારે ૪ થી લઇને સતત ૪૨ કલાક સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણના આયોજનમાં ઉપસ્થિત રહીને ભક્તો શિવમય બનશે. સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો કોવિડની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે.
શિવરાત્રિ પર્વમાં શિવભક્તો ઉપવાસ-વ્રત રાખી આ દિવસે શક્કરીયા-બટાકા આરોગતો હોય છે. જેને લઈ વિવિધ બજારોમાં શક્કરીયા તેમજ બટાકાની ધૂમ ખરીદી નીકળી હતી. શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૃં મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. શિવરાત્રી પર્વ પર વ્રતનું મહત્વ હોઈ આજે વિવિધ ફરાળી ચીજવસ્તુઓની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. શિવરાત્રી પર્વને લઈને શિવભક્તો બીલીપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કરશે. જેને લઈ બજારમાં બીલીપત્ર તેમજ દૂધના વેચાણમાં પણ ઉછાળો આવશે.
મહાશિવરાત્રિએ આ વખતે ચતુર્દશી તિથિ સવારે ૦૩.૧૬ થી શરૃ થશે અને ૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ સવારે ૧ વાગ્યે સમાપ્ત થશે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિ એ ભગવાન શિવની આરાધના ૪ પ્રહરમાં કરવાનો મહિમા છે, જેના થી વિષેશ ફળની પ્રાપ્તિ થાય છે શિવ કૃપા પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ ચાર પ્રહર પૂજા મુહર્ત સમય સાજે ૬ઃ૪૧ થી રાત્રે ૯ઃ૪૬, રાત્રે ૯ઃ૪૬ થી ૧૨ઃ૩૮ સુધી, રાત્રે ૧૨ઃ૩૮ થી ૩ઃ૪૪ સુધી, મોડી રાત્રે ૩ઃ૪૪ થી સવારે ૭ઃ૦૨ સુધી છે.
મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળે યશ અને કીતમાં વૃદ્ધિ થાય. શાસ્ત્ર મહિમા અનુસાર મહાશિવરાત્રિ એ ભગવાન શિવ ની આરાધના રુદ્રાક્ષ ધારણ કરી ભસ્મ નું ત્રિપુંડ કરી શિવલિંગ પર ઁ નમઃ શિવાય શિવાય નમઃ ઁ આ પંચાસ્કરી મંત્ર નો જાપ કરતા અભિષેક કરી બિલ્વ પત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન થાય છે.
ભગવાન શિવ હજારો વર્ષોથી તેમની સાધના કરી રહ્યા હતા. એક દિવસ અચાનક તેની આંખ ખુલી ત્યારે તેની આંખમાંથી આંસુનું એક ટીપું ટપકીને ધરતી પર પડ્યું. એ આંસુમાંથી રૂદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. માનવ કલ્યાણ માટે આખી પૃથ્વી પર રૂદ્રાક્ષના વૃક્ષો ફેલાયા. ત્યારથી, રુદ્રાક્ષનો ઉપયોગ ભગવાન શિવની પૂજા અથવા ભગવાન શિવના મંત્રોના જાપ માટે કરવામાં આવે છે.