રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. યુક્રેનમાં ફાટી નીકળેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના રહેવાસી નવીન તરીકે થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કર્ણાટકનો રહેવાસી નવીન ગવર્નર હાઉસ પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવા માટેની ચીજ-વસ્તુ લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો, તે જ સમયે તે રશિયાના સૈનિકોના ગોળીબારની ઝપેટમાં આવી ગયો હતો. નવીનની ઉંમર 21 વર્ષની છે. ભારતીય વિદ્યાર્થીઓ તરફથી એમ્બેસીને મદદ માટે વિનંતી કરવામાં આવી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું, ‘અમે ખૂબ જ દુઃખ સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે.