અમદાવાદ શહેરના મેમનગર ગુરૂકુળ રોડ પર આવેલા મારૂતિ કોમ્પ્લેક્સમાં વિઝા ઇમીગ્રેશનનું કામ કરતા એક વ્યક્તિએ કેનેડાના વર્ક પરમીટના વિઝાની ખાતરી આપીને અનેક યુવક- યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.
જેમાં તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. શહેરના ઘાટલોડિયાના શ્રીનાથનગરમાં રહેતો વિશાલ નાગર નામનો યુવક એક ઇલેક્ટ્રોનીક્સ શો રૂમમાં કન્ઝયુમર લોનની કામગીરી કરી છે.
તેને કેનેડામાં વર્ક પરમીટ માટે જવાની ઇચ્છા હોવાને કારણે માર્ચ 2019માં તેણેગુરૂકુળ મેમનગર રોડ આવેલા મારૂતિ કોમ્પ્લેક્સ સિૃથત ઉડાન ઇમીગ્રેશન નામની ઓફિસમાં હર્ષિલ પટેલ (રહે. સુંદરવન એપાર્ટમેન્ટ, સોલા)નો સપર્ક કર્યો હતો. હર્ષિલે તેના દ્વારા કેનેડા મોકલવામાં આવેલા કેટલાંક યુવક-યુવતીઓના ફોટોગ્રાફ્સ બતાવતા વિશાલે વર્ક પરમીટની કામગીરી કરવા માટે કહ્યુ હતું.
જેમાં હષિલને તેણે વીઝા પ્રોસેસ માટે બે લાખ રૂપિયા આપ્યા હતા. જેના બદલામાં તેન પાંચ થી છ મહિનામાં વિઝા કરાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે છ મહિના બાદ વિઝા ન આવતા વિશાલે નાણાં પરત માંગતા હર્ષિલે વિઝાની કામગીરી ધીમી હોવાનું કહ્યું હતું. બાદમાં ૨૦૨૦માં કોવિડને કારણે કામગીરી ન થઇ શકી હોવાનું જણાવ્યુ હતું.
આમ, સતત અલગ અલગ કારણ આપતા વિશાલે ઓફિસ જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હર્ષિલ પટેલ ઓફિસ બંધ કરીને જતો રહ્યો છે. આમ, તેણે માત્ર વિશાલ સાથે જ નહી પણ અન્ય યુવક યુવતીઓે કેનેડાના વિઝાની લાલચ આપીને લાખો રૂપિયા એડવાન્સમાં લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.