ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત થઇ છે. ત્યારે રાજયપાલ હાઉસમાં પહોંચ્યા હતા. અને, રાજયપાલના ભાષણ દરમ્યાન જ કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યા હતા. કોંગ્રેસે વિવિધ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો કર્યો હતા. અને, આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી છે. કોંગ્રેસે ગૃહમાં “ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયાનું રાજ” ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દેખાવો કરતા વેલમાં ધસી આવ્યા હતા.
જેના કારણે રાજ્યપાલે પોતાનું ભાષણ ટુંકાવવાની ફરજ પડી હતી. આ દરમિયાન પણ કોંગ્રેસના સૂત્રોચ્ચાર યથાવત રહ્યા હતા. જેથી રાજયપાલ ગૃહમાંથી રવાના થયા હતા.
ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં ૮ શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર ૧૮ માર્ચે હોળીની રજા સહિત ૯ દિવસને બાદ કરતાં બાકીના ૨૨ દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે.