ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મોહાલીમાં આ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત થશે. ટીમ ઇન્ડિયાએ ટી-૨૦ માં શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યા પછી હવે ટેસ્ટમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવવા માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
વિરાટ કોહલી પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની ૧૦૦મી ટેસ્ટ મેચને લઈને સ્ટેડિયમમાં વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મેચ યાદગાર બની રહે તે માટે વિરાટ કોહલીનું પંજાબ ક્રિકેટ એસોશિયેશન દ્વારા સન્માન પણ કરવામાં આવશે. વિરાટ કોહલીએ ઘણા લાંબા સમયથી સદી નથી ફટકારી તેથી પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચમાં સદી ફટકારે તેવી દર્શકોને આશા છે.
બીસીસીઆઈએ વિરાટની ૧૦૦મી ટેસ્ટ મેચને લઈને કોરોના નિયમોના પાલન સાથે મોહાલી સ્ટેડિયમમાં ૫૦ ટકાની ક્ષમતા દર્શકો બેસી શકે તે માટે પરવાનગી પણ આપી છે.
દરમિયાન આજથી ન્યૂઝીલેન્ડમાં મહિલા વન ડે વર્લ્ડકપનો પ્રારંભ થયો છે. જેમાં પહેલી ક્રિકેટ મેચ આજે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ રહી છે. ભારત તેની પ્રથમ મેચ ૬ માર્ચે પાકિસ્તાન સામે રમશે.