અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને કહ્યું હતું કે, હિન્દ-પ્રશાંત ક્ષેત્રને યુક્રેન નહીં બનવા દઈએ. ક્વાડ દેશોના વડાઓની એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં તાઈવાન ઉપર હુમલો થઈ શકે તે બાબતે ચિંતા વ્યક્ત થઈ હતી. ચારેય દેશોના વડાઓએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા કટિબદ્ધતા દર્શાવી હતી.
અમેરિકા-ભારત-જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંગઠન ક્વાડ દેશોની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં અમેરિકાના પ્રમુખ બાઈડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસ સામેલ થયા હતા. ચારેય નેતાઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા શિખર સંમેલનમાં જે એજન્ડાની ચર્ચા થઈ હતી, તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
જાપાનના વડાપ્રધાન ફૂમીયો કીશિદાએ કહ્યું હતું કે, ક્વાડ નેતાઓ તેમની ‘વર્ચ્યુઅલ’ બેઠકમાં તે વાત ઉપર સહમત થયા હતા કે હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં કોઈ યુક્રેનની જેમ લાભ ઉઠાવી ન શકે.
કીશીદાએ કહ્યું હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી યથાવત સ્થિતિમાં કોઈ એકતરફી ફેરફાર કરવા માગે તો તે ચલાવી લેવું ન જોઈએ. એ વિચારને સ્વતંત્ર, મુક્ત અને ખુલ્લો જ રાખવો પડે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા કર્ટ કેમ્પબેલે કહ્યું હતું કે, યુક્રેન-સંકટ છતાં અમેરિકા ભારત-પ્રશાંત ક્ષેત્ર ઉપર તેની નજર રાખતું જ રહેશે.
વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ-મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફૂમીયો કીશીદાએ ભાગ લીધો હતો. યુક્રેન-કટોકટી અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હિંસાનો માર્ગ છોડી, મંત્રણા અને રાજદ્વારી ગતિવિધિ હાથ ધરવી જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ દેશોની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા કહ્યું હતું કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ-સ્થિરતા-સમૃદ્ધિ માટે ચારેય દેશોએ સહિયારા પ્રયાસો કરવા પડશે.
ચીન તાઈવાન ઉપર હુમલો કરે તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ કર્યું એ જ તર્જ ઉપર ચીન તાઈવાન ઉપર હુમલો કરી શકે તેવી શક્યતા સતત વધી રહી છે. એવું થાય તો કેવા પગલાં ભરવા જોઈએ તે બાબતે ચર્ચા થઈ હતી. ચીનનું નામ લીધા વગર બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રના સાર્વભૌમત્વ બાબતે સંવાદ થયો હતો.