કેન્દ્રના મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, માછીમારોને મળવા માટે મંત્રી સહિતનો કાફલો દરિયાઈ રસ્તે જાય તેવો પહેલો અને અનોખો પ્રયોગ “સાગર પરિક્રમા” તરીકે કચ્છના દરિયાકાંઠેથી શરૂ થવા જઈ રહ્યો છે. અમદાવાદમાં પત્રકારો સમક્ષ તેમણે જાહેરાત કરી હતી કે પાંચ અને છ માર્ચ એમ બે દિવસના દરિયાઈ પ્રવાસનો પ્રારંભ માંડવી બંદરથી થશે અને ઓખા બંદરે પહેલા દિવસની સફર પૂરી થશે.
છઠ્ઠી માર્ચે ઓખાથી નીકળી કાફલો પોરબંદર પહોંચશે. પરશોત્તમ રૂપાલા કહ્યું કે, નાના નાના ફિશિંગ હાર્બર સુધી પહોંચીને માછીમારી સાથે સંકળાયેલા લોકોના પ્રશ્નો સાંભળવાની આ કોશિશને જેના અનુભવના આધારે અન્ય રાજ્યમાં તેને લાગુ કરાશે.
પરશોત્તમ રૂપાલા વધુમાં જણાવ્યું હતું કે, નજીવા વ્યાજે ખેડૂતને ધિરાણ આપતા કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ હવે માછીમાર અને પશુપાલકને પણ ગુજરાતમાં મળતો થવાનો છે.
દરિયાકાંઠા થી ૧૦ નોટિકલ માઈલ જેટલા ક્ષેત્રમાં મત્સ્ય બીજ છોડીને દરિયામાં માછલીઓની સંખ્યા વધારવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. સરહદે આવેલા ગામડા માટે બજેટમાં રજૂ થયેલી “વાયબ્રન્ટ વિલેજ” યોજના ફિશિંગ વિલેજને પણ લાગુ લડાય તેવો પ્રયત્ન કરાશે.
કેન્દ્રના મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, જે માંડવીનો ઈતિહાસ ખૂબ ગરિમાપૂર્ણ રહ્યો છે ત્યાંથી સાગર પરિક્રમાનો પ્રારંભ થશે. માંડવી આઝાદીના લડવૈયા અને એ સમયના ક્રાંતિકારીઓમાં આદર્શ અને તેમના ગુરૂ તરીકે ઓળખ પામેલા શ્યામજી કૃષ્ણવર્મા માંડવીના પનોતા પુત્ર હતા. માંડવીથી શરૂ થનારી સાગર પરિક્રમાનો ગુજરાત ખાતેનો આ તબક્કો પોરબંદરમાં પૂર્ણ થશે. પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. આમ ‘ક્રાંતિથી શાંતિ’ના વિચાર સાથે આ સાગર પરિક્રમાનું આયોજન કરાયું છે.
કેન્દ્રના મંત્રી પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, માંડવીમાં ઈન્ડિયા હાઉસની નવી પેઢીએ મુલાકાત લેવી જોઈએ અને ઈતિહાસમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, સાગર પરિક્રમાનો મુખ્ય હેતુ સમગ્ર ભારતના સમુદ્રકાંઠાના વિસ્તારોને સાંકળી લેવાનો છે અને ખાસ કરીને ફિશરીઝ વિભાગ દ્વારા આ કાંઠાળ વિસ્તારોમાં આવેલા ગામોમાં વસતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના વિકાસ, તેમની સવલતો-સુવિધાઓ ઉપરાંત સી ફૂડ ઈન્ડસ્ટ્રી તથા સી ફૂડ નિકાસના ક્ષેત્રે હજુ આગળ શું પગલા લઈ શકાય તેની પણ સંભાવનાઓ જોવાનો છે.