પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૦૬/૦૩/૨૦૨૨ના રોજ પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. સવારે લગભગ ૧૧ વાગ્યે, પ્રધાનમંત્રી પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રતિમા ૧૮૫૦ કિગ્રા ગન મેટલથી બનેલી છે અને લગભગ ૯.૫ ફૂટ ઊંચી છે.
પ્રધાનમંત્રી સવારે ૧૧:૩૦ વાગ્યે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પુણેમાં શહેરી ગતિશીલતા માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો પ્રયાસ છે. ૨૪/૧૨/૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કુલ ૩૨.૨ કિમીના પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના ૧૨ કિમીના પટનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ. ૧૧,૪૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેઓ ગરવારે મેટ્રો સ્ટેશન ખાતે પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કરશે અને ત્યાંથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો રાઈડ કરશે.
બપોરે લગભગ ૧૨ વાગ્યે, પ્રધાનમંત્રી બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. તેઓ મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ નિવારણનો શિલાન્યાસ પણ કરશે. રૂ. ૧૦૮૦ કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ ખર્ચે નદીના ૯ કિમી પટમાં કાયાકલ્પ કરવામાં આવશે. તેમાં નદીના કિનારે સંરક્ષણ, ઇન્ટરસેપ્ટર ગટર નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ વગેરે જેવા કામો સામેલ હશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂ. ૧૪૭૦ કરોડથી વધુના ખર્ચે “વન સિટી વન ઓપરેટર” ના ખ્યાલ પર અમલમાં મૂકવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૧ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેની સંયુક્ત ક્ષમતા લગભગ ૪૦૦ એમ એલ ડી હશે. પ્રધાનમંત્રી બાનેરમાં બનેલ ૧૦૦ઈ-બસ અને ઈ-બસ ડેપોનું પણ લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી પુણેના બાલેવાડી ખાતે નિર્મિત આરકે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ માલગુડી ગામ પર આધારિત લઘુચિત્ર મોડલ છે જેને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા જીવંત બનાવવામાં આવશે. કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણ દ્વારા દોરવામાં આવેલા કાર્ટૂન મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી, લગભગ બપોરે ૧:૪૫એ પ્રધાનમંત્રી સિમ્બાયોસિસ યુનિવર્સિટીની સુવર્ણ જયંતી ઉજવણીની શરૂઆત કરશે.