ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીના પ્રથમ ચરણમાં યોજાયેલ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આજ તારીખ ૦૬/૦૩/૨૦૨૨ ના રોજ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષા આજે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન યોજાઈ છે.
પ્રથમ ચરણમાં યોજાયેલી શારીરિક કસોટીમાં કુલ ૯૬,૨૩૧ ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૯૨,૧૪૫ ઉમેદવારોએ લેખિત પરીક્ષા માટેનો કોલલેટર ડાઉનલોડ કર્યો છે. અમદાવાદ અને ગાંધીનગરના કુલ ૩૧૨ કેન્દ્રોના ૩,૨૦૯ વર્ગખંડોમાં આ પરીક્ષા લેવામાં આવશે.
પી એસ આઈ ભરતીની લેખિત પરીક્ષામાં પ્રથમવાર પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી ઉપરાંત જામરનો ઉપયોગ કરવામાં આવશે. હાલના સમયમાં અનેક લોકો ડિજિટલ વોચ અને ઇલેક્ટ્રિક ગેજેટનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય છે. આવા ઇલેક્ટ્રિક ગેઝેટ થકી પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઇલની કનેક્ટિવિટી ન મળે તેને ધ્યાને લઇ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર જામરનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા માટે બોર્ડ દ્વારા અલગ-અલગ ૭૭ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે, અને જે ગાડી પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી લઈ જશે તે સતત કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેશે. આ માટે એક સ્પેશિયલ કંટ્રોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તમામ ગાડીઓને એક ફિક્સ રૂટ પણ આપી દેવામાં આવ્યો છે.