મોહાલીમાં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. ભારતે ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૨૨ રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત આ શ્રેણીમાં ૧-૦ થી આગળ થઈ ગયું છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો સ્ટાર સાબિત થયો હતો.
જેણે બેટિંગ કરતા પહેલા દાવમાં ૧૭૫ રન બનાવ્યા હતા સાથે જ મેચમાં ૯ વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજાને તેની શાનદાર રમત માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની કારકિર્દીની આ ૧૦૦મી ટેસ્ટ મેચ હતી, જેમાં ભારતે આ શાનદાર જીત મેળવી છે.
ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકાની ટીમ ભારતના સ્પિનરો સામે ટકી શકી નહીં. પ્રથમ દાવમાં શ્રીલંકા માત્ર ૧૭૪ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજાએ ૫ વિકેટ લીધી હતી જ્યારે જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને ૨-૨ વિકેટ મળી હતી. શ્રીલંકા માટે પ્રથમ દાવમાં માત્ર પથુમ નિસાંકા ૬૨ રન બનાવી શક્યો, બાકીના બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા.