કચ્છ: મોટો ભૂકંપ આવવાની સંભાવના

કચ્છ માં ફરીથી મોટો ભૂકંપ આવવાની સંભાવના રજૂ કરવામાં આવી છે. કચ્છમાંથી પસાર થતા કેટ્રોલ હિલ ફોલ્ટ ના પ્રથમ જીઓડેટિક અભ્યાસ માં જાણવા મળ્યું છે કે આ ફોલ્ટ લાઇન માં નોંધપાત્ર ડિફોર્મેશન બહાર આવ્યા બાદ ભુજ, અંજાર અનેગાંધીધામ સહિતના કચ્છના મુખ્ય શહેરો મોટા ધરતીકંપ માટે સંવેદનશીલ ગણવામાં આવી રહ્યાં છે. આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કચ્છમાં આવનારા મોટા આંચકાની અસર અમદાવાદ અને સૌરાષ્ટ્રના અન્ય શહેરો અને તેના કોમર્શિયલ હબ રાજકોટ સહિત અન્ય શહેરો પર પણ થશે.

કચ્છમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપને હજુ લોકો ભૂલી શક્યાં નથી. ત્યારે ફરી કચ્છમાં મોટા ભૂકંપની આગાહી કરવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગર, જમ્મુ યુનિવર્સિટીના રિમોટ સેન્સિંગ વિભાગ અને આંધ્રપ્રદેશની નન્નાયા યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ફોલ્ટ લાઇનમાં ડિફોર્મેશન દર વર્ષે ૨.૧ મીમી છે, જે ભારતીય પ્લેટના આ ભાગ માટે ભૂકંપના જોખમની દ્રષ્ટિએ નોંધપાત્ર માનવામાં આવે છે. ૨૦૦૧ પછી કચ્છમાં નાના ભૂકંપ સામાન્ય બની ગયા હોવા છતાં પણ છેલ્લા બે મહિનામાં મોટાભાગે ભચાઉ અને રાપરની નજીક ઓછામાં ઓછા પાંચ હળવા આંચકા અનુભવાયા છે જેને અવગણી શકાય તેમ નથી.

કચ્છ રિફ્ટ બેસિન વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂ-ભૌતિક સંશોધનોનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. સંશોધકોએ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ નો ઉપયોગ કરીને કચ્છમાં આવેલી ફોલ્ટ લાઈનના ડિફોર્મેશનની પેટર્નને સમજવા માટે તેનો અભ્યાસ કર્યો.

ભૂસ્તરશાસ્ત્રીઓએ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીના ડેટા સેટનો ઉપયોગ કરીને ક્રસ્ટલ ડિફોર્મેશન પેટર્નનું વિશ્લેષણ કર્યું હતું. કે.એચ.એફ માં દર વર્ષે આશરે ૨.૧ એમએમ ની સરેરાશ ડિફોર્મેશન આ ભારતીય પ્લેટના મધ્ય અને પશ્ચિમ ભાગમાં ઓછી છે અને પૂર્વીય ભાગ કરતા વધારે છે.

કચ્છ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા એમ. જી. ઠક્કરે એક અખબારને જણાવ્યું હતું કે ૧એમએમ કરતાં વધુ ડિફોર્મેશનનો અર્થ એ છે કે વિસ્તાર વધુ ભૂકંપ માટે સંવેદનશીલ છે અને પ્લેટ સક્રિય છે. તેમણે ઉમેર્યું હતું કે કે.એચ.એફ લાઇન પર કચ્છમાં સૌથી વધુ સંવેદનશીલ ભાગો અંજાર અને ભુજ શહેરો છે અને સત્તાવાળાઓએ આ પેપરના પરિણામોને ધ્યાનમાં લઈને ભાવિ વિકાસ યોજનાઓને મંજૂરી આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *