રશિયા-યુક્રેન ની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. સોમવારે યુરોપે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાની ધમકી આપી હતી. આ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ૧૭.૮૯ % વધીને ૧૧૮.૧૧ ડોલરની સપાટીએ જઈને ૧૩૯.૧૩ ડોલર થઈ ગયો છે. ૧૩ વર્ષ અને ૮ મહિના પછી ક્રૂડનો ભાવ સર્વોચ્ચ સ્તરે છે. ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું. ત્યારે ક્રૂડ ૯૬.૮૪ ડોલર પ્રતિ બેરલ હતું. દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે ૨ નવેમ્બર ૨૦૨૧ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીનું નિવેદન સામે આવ્યું છે.
હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે ચૂંટણીના કારણે અમે ભાવ વધાર્યા નથી. એવુ કહેવું ખોટું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેલની કિંમતો અંગે કંપનીઓએ નિર્ણય લેવો પડશે, કારણ કે તેમણે પણ બજારમાં ટકી રહેવાનું છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં આવે છે.
હરદીપ સિંહ પુરીએ, રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું હતું. એક અમારા યુવા નેતા છે. તેઓ કહે છે કે તમારા વાહનની ટાંકી જલ્દીથી ભરી લો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેલના ભાવ વધવાના હોવાથી ટાંકીઓ ભરવી જોઈએ. હરદીપ સિંહે કહ્યું, અત્યારે ટાંકી ભરો કે પછીથી ભરો. ક્યારેકને ક્યારેક તો ચૂંટણી આવવાની જ છે ને.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ભારતમાં તેલની કોઈ અછત નહીં થાય. હવે પછી પણ જે પણ નિર્ણયો લેવાશે તે નાગરિકોના હિતમાં લેવાશે. તેમણે કહ્યું કે ખાર્કિવ અને પિશોચિનમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે સુમીમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ હતા. તેઓ ત્યાંથી નીકળીને બસ મારફતે પોલ્ટોવા પણ જઈ રહ્યા છે. બાકીના તમામ બાળકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં આવશે.