રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૪મો દિવસ છે. આ યુદ્ધ હવે ખૂબ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. આ તરફ પોલેન્ડે પોતાના તમામ મિગ-૨૯ ફાઈટર જેટ યુક્રેનને આપવાની જાહેરાત કરી છે જેથી તે રશિયા સામે યુદ્ધ લડી શકે. જોકે અમેરિકાએ કહ્યું છે કે, પોલેન્ડનું આ પગલું ચિંતા સર્જનારૂં છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ યુક્રેન માટે રશિયા દ્વારા નિર્મિત ફાઈટર પ્લેન આપવાના પોલેન્ડના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે.
જોકે રશિયન આક્રમણ નિષ્ફળ બનાવવા માટે અમેરિકા પોલેન્ડમાં ૨ પૈટ્રિયટ મિસાઈલ તૈનાત કરશે. યુએસ યુરોપિયન કમાન્ડના એક પ્રવક્તાએ મંગળવારે રાતે અમેરિકી ટીવી ચેનલને જણાવ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા પોલેન્ડને ૨ પૈટ્રિયટ મિસાઈલ બેટરી મોકલી રહ્યું છે જેથી રશિયાના યુક્રેન પરના આક્રમણ દરમિયાન અમેરિકા અને નાટો સહયોગીઓ માટે કોઈ પણ સંભવિત જોખમનો મુકાબલો કરવા માટે ‘સંરક્ષણાત્મક તૈનાતી’ થઈ શકે. પૈટ્રિયટ્સ વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી છે જેને ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઈલ્સ, ઉન્નત વિમાનો અને ક્રૂઝ મિસાઈલ્સનો મુકાબલો કરવા અને નષ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
રશિયાએ બુધવારે સુમી, ખાર્કિવ, મારિયોપોલ, ચેર્નીહીવ, જાપોરિજા શહેરોમાં સીઝફાયરની ઘોષણા કરી છે જેથી યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને ત્યાંથી કાઢી શકાય.